અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે અત્યારે 'કોલ્ડ વોર' જેવી સ્થિતિ સર્જાઈ છે. ટ્રમ્પે અત્યંત આક્રમક તેવરમાં કેનેડાને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે ચીન સાથે મિત્રતા વધારશે તો બહુ જલ્દી પાયમાલ થઈ જશે. વૈશ્વિક રાજનીતિમાં અત્યારે ચીન અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ખાઈ વધી રહી છે, ત્યારે કેનેડાના નવા વલણે ટ્રમ્પને લાલઘૂમ કરી દીધા છે. આ વિવાદ માત્ર વ્યાપાર પૂરતો મર્યાદિત નથી, પણ હવે તે આર્થિક યુદ્ધ તરફ વળતો દેખાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે ચીન સાથે વ્યાપારિક સમજૂતી કરવી એ કેનેડા માટે આત્મઘાતી સાબિત થશે. ટ્રમ્પના મતે, જો કેનેડા ચીન સાથેની મિત્રતા વધારશે તો ચીન તેને એક વર્ષની અંદર આર્થિક રીતે બરબાદ કરી દેશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કેનેડા પોતાની ધરતીનો ઉપયોગ ચીની પ્રોડક્ટ્સને અમેરિકા મોકલવા માટેના 'ડ્રોપ ઓફ પોર્ટ' તરીકે નહીં કરી શકે. જો કેનેડા આવી રણનીતિ અપનાવશે તો અમેરિકા મૂકપ્રેક્ષક બનીને બેસી રહેશે નહીં.

અમેરિકી રાષ્ટ્રપતિએ માત્ર આર્થિક જ નહીં, પરંતુ કેનેડાના સામાજિક તાણાવાણા પર પણ ખતરો હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના મતે, ચીન સાથેની વ્યાપારિક સમજૂતીથી કેનેડાની જીવનશૈલી અને વ્યવસાયિક માળખું સંપૂર્ણપણે નાશ પામશે. તેમણે કેનેડાને ચેતવતા કહ્યું છે કે જો ચીન સાથે કોઈ પણ પ્રકારની ડીલ કરવામાં આવશે, તો અમેરિકા કેનેડાથી આવતી તમામ ચીજવસ્તુઓ પર તાત્કાલિક અસરથી 100 ટકા ટેરિફ (કર) ઝીંકી દેશે. આ એક પ્રકારની આર્થિક નાકાબંધીની ચીમકી છે જે કેનેડા માટે મુશ્કેલી સર્જી શકે છે.
ટ્રમ્પના આ ગુસ્સા પાછળનું મુખ્ય કારણ કેનેડાના પીએમ માર્ક કાર્નીની તાજેતરની ચીન મુલાકાત છે. 13 થી 17 જાન્યુઆરી દરમિયાન કાર્નીએ ચીનની મુલાકાત લીધી હતી અને અનેક વ્યાપારિક કરારો કર્યા હતા. આ સમજૂતી હેઠળ કેનેડા ચીની ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પર લગાવવામાં આવેલા ટેરિફમાં ઘટાડો કરવા સંમત થયું છે. રસપ્રદ વાત એ છે કે, એક વર્ષ પહેલા જ કાર્નીએ પોતે ચીનને કેનેડા માટે સૌથી મોટું સુરક્ષા જોખમ ગણાવ્યું હતું, પરંતુ હવે અચાનક બદલાયેલા વલણથી ટ્રમ્પ નારાજ થયા છે.
વર્ષ 2024માં કેનેડાએ અમેરિકાના સૂર પુરાવતા ચીની ગાડીઓ પર 100 ટકા ટેરિફ લગાવ્યો હતો, પરંતુ નવા કરાર મુજબ હવે આ ટેરિફ ઘટાડવાની તૈયારી ચાલી રહી છે. તેના બદલામાં ચીન પણ કેનેડાના કૃષિ ઉત્પાદનો પર લગાવેલા 84 ટકા ટેરિફને ઘટાડીને 15 ટકા કરવા સંમત થયું છે. કેનેડા પોતાના આર્થિક ફાયદા માટે ચીન તરફ વળી રહ્યું છે, પરંતુ ટ્રમ્પનું માનવું છે કે આ ટૂંકા ગાળાનો ફાયદો કેનેડા માટે લાંબા ગાળાની ગુલામી કે પાયમાલી નોતરી શકે છે.