નોઇડાઃ નોઇડા પોલીસે આજે સોફ્ટવેર એન્જિનિયરના મૃત્યુ કેસમાં વધુ બે બિલ્ડરની ધરપકડ કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. એન્જિનિયરનું મૃત્યુ સેક્ટર ૧૫૦માં એક બાંધકામ સ્થળ નજીક પાણી ભરેલા ખાડામાં કાર ખાબકવાથી થયું હતું.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ફરીદાબાદના રહેવાસી રવિ બંસલ અને ગાઝિયાબાદના રહેવાસી સચિન કર્ણવાલ તરીકે થઇ છે. ધરપકડ કરાયેલા બંને શખ્સ રિયલ એસ્ટેટ ડેવલપર લોટસ ગ્રીન્સ સાથે સંકળાયેલા છે. જો કે કંપનીમાં તેમના ચોક્કસ હોદ્દાની તાત્કાલિક પુષ્ટિ થઇ શકી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર આ ધરપકડ નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનની ટીમે કલમ ૧૦૫, ૧૦૬(બેદરકારીથી મૃત્યુનું કારણ બનવું) અને ૧૨૫(બીજાના જીવન કે વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકનાર કૃત્ય) હેઠળ નોંધાયેલા કેસમાં કરવામાં આવી હતી.
પોલીસે ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નોંધનીય છે કે ૧૬ અને ૧૭ જાન્યુઆરીની રાત્રે બિલ્ડર અને તેના સહયોગીઓની કથિત બેદરકારીને કારણે લોટસ ગ્રીન્સમાં એક બાંધકામ સ્થળ પર પાણી ભરેલા પ્લોટમાં ડૂબી થવાથી કાર ચાલક યુવરાજ મહેતા(૨૭)નું મૃત્યુ થયું હતું.
ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતાં મહેતા સેક્ટર ૧૫૦માં આવેલા તેના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેની કાર એક બાંધકામ સ્થળ નજીક પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી.
મૃતકના પિતાની ફરિયાદ બાદ નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનમાં લોટસ ગ્રીન્સ અને એમઝેડ વિઝટાઉન પ્લાનર્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એમઝેડ વિઝટાઉન પ્લાનર્સના ડિરેક્ટર અભય કુમારની ધરપકડ કરી હતી.