Sat Sep 12 2026

Logo

આઈઆરસીટીસીની મોટી કાર્યવાહી: મુંબઈ સેન્ટ્રલમાં નિયમો ભંગ કરવા બદલ જન આહાર કેન્દ્ર સીલ કરાયું

2026-08-03 21:16:23
Author: Mumbai Samachar Team
આઈઆરસીટીસીની મોટી કાર્યવાહી: મુંબઈ સેન્ટ્રલમાં નિયમો ભંગ કરવા બદલ જન આહાર કેન્દ્ર સીલ કરાયું

 મુંબઈ: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મુસાફરોને સસ્તું અને ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરાયેલા આઈઆરસીટીસીના જન આહાર કેન્દ્રમાં સ્વચ્છતા અને ભોજનની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સ્થળ પર જોવા મળેલી સ્થિતિમાં ફૂડ સેફ્ટીના અનેક નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો થયા છે.

જન આહાર કેન્દ્રના બેઠક વિસ્તાર તેમજ રસોડામાં પૂરતી સ્વચ્છતા જોવા મળી ન હતી. કલાકો પહેલાં તૈયાર કરાયેલું ભોજન ખુલ્લામાં રાખવામાં આવ્યું હતું, જ્યારે એક જ કડાઈમાં વારંવાર જૂના તેલમાં પૂરી તળવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું હતું. રસોડાના વાસણો અને ગેસ સ્ટોવ ગંદા હતા તેમજ કાપેલા ધાણા, મરચાં અને આદુ જેવી સામગ્રી ખુલ્લામાં રાખવામાં આવતી હતી.

ફૂડ સેફ્ટીના નિયમો મુજબ કર્મચારીઓએ હેર કેપ, ગ્લોવ્ઝ અને યોગ્ય યુનિફોર્મ પહેરવું ફરજીયાત હોવા છતાં મોટા ભાગના કર્મચારીઓ આ નિયમોનું પાલન કરતા જોવા મળ્યા નહોતા. કેટલાક કર્મચારીઓ ચપ્પલ અને સેન્ડલ પહેરીને કામ કરતા હતા.

મેનૂમાં દર્શાવેલી તમામ વાનગીઓ ઉપલબ્ધ નહોતી. ઉપરાંત ભોજનમાં કયા પ્રકારના તેલ અથવા અન્ય ઉત્પાદનોનો ઉપયોગ થાય છે તેની કોઈ માહિતી આપવામાં આવી નહોતી. મુસાફરો માટે મફત પીવાના પાણીની સુવિધા હોવા છતાં તેના કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા.

જન આહાર યોજના મુસાફરોને ઓછા ખર્ચે સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. જોકે આ કેન્દ્રમાં સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા અને ફૂડ સેફ્ટીના ધોરણોને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પરથી દરરોજ અંદાજે 1.10 લાખ મુસાફરો અવરજવર કરે છે, જેમાં આશરે લાંબા અંતરની ટ્રેનોના  40 હજાર અને  ઉપનગરી ટ્રેનોના 60 હજાર મુસાફરોનો સમાવેશ થાય છે.

મામલો પ્રકાશમાં આવ્યા બાદ આઈઆરસીટીસીએ મુંબઈ સેન્ટ્રલ સ્થિત જન આહાર કેન્દ્રને તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે. સાથે જ સંબંધિત કૉન્ટ્રૅક્ટર પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.