Sat Aug 22 2026

Logo

મુંબઈ લોકલ ટ્રેનમાં થશે મોટો ફેરફાર: ₹ 584 કરોડના ખર્ચે 6 કારશેડનું આધુનિકીકરણ, વધુ 15 કોચની ટ્રેનનો માર્ગ મોકળો થશે

2026-08-21 16:24:51
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની 'લાઈફલાઈન' ગણાતી લોકલ ટ્રેનોની સફર આગામી સમયગાળામાં વધુ સુગમ, સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે રેલવે પ્રશાસન મોટી કમર કસી રહ્યું છે. મુંબઈ સબર્બન રેલવે નેટવર્કની ક્ષમતા વધારવા અને ટ્રેનોને ઉત્તમ જાળવણી માટે મુંબઈ રેલવે વિકાસ નિગમ (એમઆરવીસી) દ્વારા એક માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મધ્ય અને પશ્ચિમ રેલવેના 6 મુખ્ય ઈએમયુ કારશેડસના વિસ્તાર અને આધુનિકીકરણનું કામ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે. 

મધ્ય અને પશ્ચિમ રેલવેના કારશેડ 
પ્રસ્તાવિત પ્રોજેક્ટ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી III)એ હેઠળ સંચાલિત કરવામાં આવશે, જે અન્વયે મધ્ય રેલવેના કુર્લા, કલવા અને સાનપાડા તેમ જ પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ, કાંદિવલી અને વિરાર કારશેડમાં પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં આવશે. મધ્ય રેલવેના ત્રણેય કારશેડમાં ક્ષમતા વિસ્તરણ માટે સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્ય માટે કરવામાં આવી રહયા છે. આ કાર્યોનો સંયુક્ત અંદાજિત ખર્ચ આશરે 425 કરોડ રૂપિયા છે, જેમાં કુર્લા કારશેડ માટે 139 કરોડ રૂપિયા, કલવા કારશેડ માટે 138 કરોડ રૂપિયા અને સાનપાડા કારશેડ માટે 148 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 

24 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે 
એમઆરવીસી અનુસાર આ દરેક કાર્યોને પૂર્ણ કરવા માટેનો નિર્ધારિત સમય 24 મહિના છે. આ સિવાય કુર્લા, કલવા અને સાનપાડા કારશેડમાં જાળવણી સુવિધાઓને હાજર 12 કોચ રેકથી વધારીને 15 કોચ રેકના અનુરૂપ બનાવવા માટે ઈલેક્ટ્રિકલથી જોડાયેલી કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ ત્રણેય કારશેડ માટે આ કાર્યોનો સંયુક્ત ટેન્ડર ખર્ચ લગભગ 40 કરોડ રૂપિયા છે. 

પશ્ચિમ રેલવે પર ખર્ચ થશે 159 કરોડ રૂપિયા 
પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ, વિરાર અને કાંદિવલી કારશેડમાં પણ જાળવણી સુવિધાઓના વિસ્તાર અને પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું  વિકાસનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની નિર્ધારિત સમયમર્યાદા 24 મહિનાની રાખવામાં આવી છે. એમઆરવીસી અનુસાર આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ્ય મુંબઈની ઉપનગરીય રેલ પ્રણાલીની જાળવણી ક્ષમતાને મજબૂત બનાવવા અને લાંબી ઉપનગરીય ટ્રેનોના સંચાલન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે. કારશેડોના અપગ્રેડેશનથી 15 કોચ જેવી લાંબી રેકની જાળવણી માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થશે. દરેક 6 કારશેડનો આ વ્યાપક વિસ્તાર મુંબઈ ઉપનગરીય રેલ નેટવર્કની ભવિષ્યની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ આધાર તૈયાર કરશે.