આચમન - અનવર વલિયાણી
તાજેતરમાં એક સરસ લઘુકથા વાંચવા મળી. પોતાના આશ્રમમાં વરસો સુધી અભ્યાસ કરીને સંસારમાં જઈ રહેલા શિષ્યને ગુરુએ કહ્યું, ‘એક વાત સદા યાદ રાખજે. સુખ અને દુ:ખ બને માણસના મનમાં હોય છે. ભૂખ્યા માણસને સમયસર ભોજન મળે તો એ સુખી થાય છે, પરંતુ પોતાના માટેનું ભોજન કોઈ બીજાને મળે તો એ દુ:ખી થાય છે. ઘણીવાર તો માણસ સુખ-દુ:ખની વ્યાખ્યા વિશેય સ્પષ્ટ હોતો નથી. માટે તને ક્યારેક દુ:ખની લાગણી થાય ત્યારે તારા કરતાં નીચી પાયરીના કોઈ માણસને જોજે. તું તારું દુ:ખ ભૂલી જઈશ, કદી ઊંચે નહીં જોતો, નીચે જોજે.’
કેટલી મોટી વાત કરી છે આ સંતે! એવો જ એક પ્રસંગ શેખ સા’દીના જીવન સાથે સંકળાયેલો છે. એકવાર એમના પગના અંગૂઠાનો નખ જીવતો ઊખડી ગયો. ખૂબ પીડા થઈ. લોહી નીકળ્યું. શેખસાહેબ મસ્જિદમાં જઈને શિકાયત કરવા લાગ્યા: ‘ઓ પરવરદિગાર, હું તો તારો નમ્ર બંદો છું. રોજ પાંચ વાર અચૂક નમાજ પઢું છું. રોજા રાખું છું. ગરીબોને મદદ કરું છું. છતાં મને જ તકલીફ કેમ?’ હૈયાવરાળ નીકળી જતાં શેખ બહાર નીકળ્યા ત્યાં ગોઠણથી બંને પગ કપાઈ ગયેલા એવા એક માણસને પૈડાંવાળા લાકડાના પાટિયા પર ઘસડાતો જોયો. પેલો તો એની મોજમાં હતો.
તરત ભેજામાં બત્તી થઈ તરત દોડ્યા. અંદર જઈને અલ્લાહની માફી માગવા લાગ્યા: ‘આ નાચીજને માફ કરી દો બંદાપરવર. મેં ખોટી ફરિયાદ કરી અંગૂઠાનો નખ ઊખડી ગયો તેમાં ઘણું બોલી નાખ્યું. પેલાને તો બે પગ પૂરા નથી તોય પોતાની મસ્તીમાં જીવ્યે જાય છે. હું બેકદર છું. હું સ્વાર્થી છું. તારી દયા અને દુઆને ઓળખી ન શક્યો.’
આજે માણસ ઘડિયાળને કાંટે સતત દોડ્યા કરે છે. મશીનની જેમ કામ કરે છે, પણ એના દિલને જંપ નથી. તે પોતાનાં દુ:ખનાં ગાણાં ગાયાં કરે છે. સાવ નાનીનાની વાતે ઓછું લાવે છે. લોકલ ટ્રેનમાં બેસવા ન મળ્યું કે માંડે બબડવા. નવી ફિલ્મની ટિકિટ પહેલા રવિવારે ન મળે કે માંડે બબડવા. એ સમયે પેલા સંતને યાદ કરવા જેવો છે: પોતે લોકલ ટ્રેનમાં અંદર સુધી ઘૂસી જઈને પંખા નીચે ઊભો છે, પરંતુ બીજા ઘણા લોકો એવાય પ્લૅટફૉર્મ પર છે જે ટ્રેન પકડી નથી શક્યા.
ફિલ્મની ટિકિટ ન મળી. કાંઈ નહીં, સારું થયું. આજની કાતિલ મોંઘવારીમાં સો - દોઢસો રૂપિયાની ટિકિટ લઈને ફિલ્મ જોવા જાઓ. ફિલ્મ સારી ન નીકળે તો વધુ જીવ બળે: અરર, પરસેવાના પૈસા પડી ગયા અને સમય વેડફાઈ ગયો. એના કરતાં ટિકિટ ન મળી હોત તો સારું થાત. વાત મનને સમજાવવાની છે, નીચું જોવાની છે. ઊંચું જોઈને ચાલનારો રસ્તામાં પડેલા પથ્થર કે ખાડાને જોઈ શકતો નથી. ઠેબું ખાય છે અથવા ખાડામાં પડે છે. નીચું જોઈને ચાલનારને એવો ભય રહેતો નથી.
વાસ્તવમાં ઊંચે જોનારને દુ:ખની ભાવના જલદી પજવે છે. પાડોશીને ત્યાં મોટર આવે ત્યારે દુ:ખી થયાને બદલે એમ વિચારો કે લાખો લોકો ટ્રેન-બસમાં આવ-જા કરે છે તો પાડોશીને ત્યાં મોટર આવવાથી મારે શા માટે દુ:ખી થવું જોઈએ. ક્યારેક સાજે-માંદે અમનેય કામ લાગશે. કાં પછી કોઈ ગરીબને યાદ કરો: મારી પાસે તો સ્કૂટર છે. પેલો બાપડો રોજ લોકલ ટ્રેનમાં ટીચાતો આવ-જા કરે છે. કોઈને ત્યાં રિમોટ ક્ધટ્રોલ લેટેસ્ટ કલર ટીવી આવ્યું, સરસ. તરત એવાનો વિચાર કરો જેને ત્યાં ટીવી તો શું રેડિયો કે ટેપરેકર્ડર સુધ્ધાં નથી. અહીં કોઈની સારી-નવી વસ્તુ જોઈને દુ:ખી થવા કરતાં જેની પાસે એવી કોઈ વસ્તુ જ નથી તેને યાદ કરવાથી સુખની લાગણી થાય છે. બીજાનું દુ:ખ યાદ કરવાથી આપણું દુ:ખ ભુલાઈ જાય છે. સંતો ઓછામાં ઘણું કહી દેતા હોય છે. એ સાંભળવાની અને સાંભળીને સમજવાની જરૂર હોય છે.
સમજીને આચારમાં ઉતારો તો દુ:ખ જેવો શબ્દ જીવનની ડિક્શનરીમાં રહે નહીં. પોતાની એક કવિતામાં હરીન્દ્ર દવેની સુંદર પંક્તિ (થોડા જુદા સંદર્ભમાં) છે: કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષા વધુ હોય છે...વાત સાચી છે. પીડા કે દુ:ખની લાગણી ક્યારે થાય છે? અપેક્ષા વધુ હોય ત્યારે. એ સંદર્ભમાં સંતના શબ્દો સમજીએ તો દુ:ખ રહે જ નહીં. કોઈને કંઈ નવું મળે તેનાથી આપણને શા માટે દુ:ખ થવું જોઈએ. જોકે દુ:ખ ક્યારેક ઈર્ષામાંથી જન્મે છે.
બે સગા ભાઈ હોય અને બેમાંથી એકની પ્રગતિ-સંપત્તિ-જાહોજલાલી વધે ત્યારે બીજાને અદેખાઈ આવે તો એ દુ:ખી થવાનો, પણ અદેખાઈને બદલે એમ વિચારે કે આ પ્રગતિ-સંપત્તિ મારા ભાઈની છે. ભાઈ ક્યાં પારકો છે? તો આપોઆપ દુ:ખની લાગણી ઓગળી જવાની. એ અર્થમાં પણ સંતની વાત સમજવા જેવી છે. શબ્દો થોડા બદલીને કહીએ તો કંઈક આમ કહી શકાય. તને દુ:ખની લાગણી થાય ત્યારે તારાથી વધુ દુ:ખી કોઈને જોજે. તારી પીડા ઘટી જશે. તકલીફનું મૂળ અહીં છે. આપણે પીડાની પળોમાં આપણાથી વધુ સુખી હોય એની તરફ જોઈએ છીએ. એટલે આપણું દુ:ખ બેવડાઈ જાય છે. એનો છેડો ક્યાંય દેખાતો નથી. એટલે સુખેથી જીવવાનું રહસ્ય શું? નીચું જુઓ, અપેક્ષા ઘટાડો. અસહ્ય થઈ પડે તો તમારાથી ઓછા સુખી (કે વધુ દુ:ખી)ને જુઓ પછી નિરાંત જ નિરાંત છે.