Mon Jun 08 2026

Logo

રાજકોટ મામાને ઘરે ગયેલી જામનગરની 14 વર્ષની કિશોરીનું હાર્ટ એટેકથી મોત

2026-06-08 17:17:26
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં ફરી નાની વયની કિશોરીનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના બની હતી. મૂળ જામનગરમાં રહેતી આનંદી મોદી રાજકોટ મામાના ઘરે ગઈ હતી અને પરિવાર સાથે રમતા રમતા જ ઢળી પડી હતી. તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. 

હાલમાં પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભાણેજની સરાભરા થતી હોય છે, પરંતુ રાજકોટમાં એક કમનસીબ ઘટના ઘટી હતી. જામનગરના ચાંદી બજારમાં રહેતી આનંદી મોદી રાજકોટ મામાને ઘરે ગઈ હતી. અહીં આખો પરિવાર બહાર હોટેલમાં જમવા ગયો હતો. જમ્યા બાદ તે બીજા છોકરાઓ સાથે રમતી હતી ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડી હતી. પરિવારના સભ્યોએ તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ પહોંચાડી હતી. જોકે અહીં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તબીબીસૂત્રોના જણાવ્યા અનુસાર આનંદીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મેડિકલ રિપોર્ટ સહિતના પરિક્ષણો બાદ મોતનું ચોક્કસ કારણ જાણણા મળશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.  આટલી નાનકડી દીકરીનું આ રીતે મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 

જોકે આ પહેલી ઘટના નથી કે નાની કે યુવાવયના વ્યક્તિ હાર્ટ એટેકનો શિકાર બન્યા હોય. ગુજરાતમાં ઘણા નાનીવયના લોકો એકદમ સ્વસ્થ લાગતા હોય અને અચાનક હાર્ટ અટેકે લીધે મૃત્યુ પામ્યા હોય તેવા કિસ્સા બન્યા છે. 2025માં થલતેજમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં ધોરણ ૩ માં ભણતી ગાર્ગી રાણપરાએ શાળાએ પહોંચતા જ છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. લોબીમાં બેન્ચ પર બેસતાની સાથે જ તે પડી ગઈ. શાળાના સ્ટાફે તાત્કાલિક સીપીઆર આપીને તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. 

રાજકોટના અટલ સરોવરમાં પોતાના પરિવાર સાથે ચાલતો હતો ત્યારે, ૧૩ વર્ષનો ભાવેશ અચાનક બેભાન થઈ ગયો. હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 
જામનગરનો એન્જિનિયરિંગનો પ્રથમ વર્ષનો 19 વર્ષીય વિદ્યાર્થી વિનીત પટેલ પાર્ક વિસ્તારમાં સ્ટેપ એન્ડ સ્ટાઇલ દાંડિયા એકેડેમીમાં ગરબા પ્રેક્ટિસ દરમિયાન ડાન્સ કરી રહ્યો હતો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત જાહેર કરવામાં આવ્યો. જામનગરમાં અન્ય એક ૧૯ વર્ષનો એમબીબીએસ વિદ્યાર્થી જીમમાં કસરત કરતી વખતે અચાનક પડી ગયો. પ્રયાસો છતાં, તેને બચાવી શકાયો નહીં. 

*વર્ષ 2023માં ખાસ કરીને દાંડિયારાસની પ્રેક્ટિસ કરતા સમયે યુવાનોના હાર્ટ એટેકથી મોતની ઘટનાઓએ ચિંતા ફેલાવી હતી. આ સમયે મુંબઈ સમાચારે રાજ્ય સરકારને ખાસ અપીલ કરી નવરાત્રી દરમિયાન આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા અને ખાસ કરીને યુવાનોમાં સ્વાસ્થ્ય સંબંધી જાગૃત્તિ લાવવાના પ્રયત્નો કરવાની અપીલ કરી હતી, જેનો રાજ્ય સરકારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.*