સાન્ટો ડોમિંગો: કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકમાંથી એક અત્યંત દિલધડક અને દુઃખદ વિમાન અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીંના એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક પ્રાઈવેટ જેટ રનવે પરથી ફસી ગયું હતું અને ક્રેશ થતાં જ તેમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. જોતજોતામાં આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભીષણ દુર્ઘટનામાં વિમાનના મુખ્ય પાયલટ અને કો-પાયલટ બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
મેજર લીગ બેઝબોલના સ્ટાર ખેલાડીનો આબાદ બચાવ
આ ભયાનક અકસ્માત ડોમિનિકન રિપબ્લિકના હાસા લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાયો હતો. મૃતક પાયલટોની ઓળખ એરિક જેવિયર ડિયાગો અને રૂડી ગજલ તરીકે થઈ છે. રાહતની વાત એ છે કે, અકસ્માતનો ભોગ બનેલું આ અમેરિકન રજિસ્ટર્ડ પ્રાઈવેટ જેટ તે સમયે સંપૂર્ણપણે ખાલી હતું અને તેમાં કોઈ મુસાફરો સવાર નહોતા. પૂર્વ મેજર લીગ બેઝબોલ પ્લેયર યાદિયર મોલિનાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે, આ ફ્લાઇટ તેમને અને તેમના પરિવારને પિક કરવા માટે આવી રહી હતી. પરંતુ સદનસીબે દુર્ઘટના બની ત્યારે તેઓ પ્લેનમાં હાજર નહોતા, જેના કારણે તેમનો અને તેમના પરિવારનો આબાદ બચાવ થયો છે.
કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?
#dominica રિપબ્લિકમાં ભયાનક વિમાન દુર્ઘટના pic.twitter.com/D7YoSyrsbP
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 8, 2026
પ્યુર્ટો રિકોની કંપની 'એબોનિટો એવિએશન' દ્વારા સંચાલિત આ પ્રાઈવેટ જેટ ટેક્સાસ જવા માટે રવાના થયું હતું અને વચ્ચે તે યાદિયર મોલિનાના પરિવાર અને મિત્રોને લેવા માટે લા રોમાના એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું. ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં એરપોર્ટથી આશરે 16 નોટિકલ માઈલ દૂર વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલટોને એન્જિન ફેલિયર અથવા હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાનો સંકેત મળ્યો હતો.
એવિએશન ઓથોરિટીએ બ્લેક બોક્સની તપાસ શરૂ કરી
પાયલટોએ તરત જ વિમાનને પાછું વાળ્યું અને રનવે 29 પર ઈમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિમાનની સ્પીડ અને બેલેન્સ બગડવાના કારણે 'હાર્ડ લેન્ડિંગ' થયું હતું. વિમાન રનવે પરથી લપસીને બાજુના ઘાસવાળા મેદાનમાં ઘસડાયું હતું અને જોરદાર ધડાકા સાથે તેમાં આગ લાગી ગઈ હતી. દુર્ઘટનાના જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, તેમાં એરપોર્ટ પરથી કાળા ડિબાન ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાય છે. એરપોર્ટની ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ડોમિનિકન એવિએશન ઓથોરિટીએ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.