Mon Jun 08 2026

Logo

ઈશા દેઓલના પલંગ પર કેમ છે ટેડી બેરનો ઢગલો? દિવંગત એક્ટર ધર્મેન્દ્ર સાથે જોડાયેલું છે ખાસ કનેક્શન!

2026-06-08 14:53:00
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના દિગ્ગજ અને સદાબહાર એક્ટર ધર્મેન્દ્રનું ગયા વર્ષે 89 વર્ષની વયે નિધન થયું હતું. હી-મેનના નિધનથી તેમનો આખો પરિવાર અને લાખો ફેન્સ આજે પણ આઘાતમાં છે. ધર્મેન્દ્રની પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના પિતાની યાદો શેર કરતી રહે છે. તાજેતરમાં જ ઈશાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે પિતાના અવસાન બાદ તેનો બેડ પર હંમેશા એક ખાસ વસ્તુ જોવા મળે છે, જે તેને ધર્મેન્દ્રની યાદ અપાવે છે. ચાલો જોઈએ શું છે આ ખાસ વસ્તુ... 

હાલમાં જ આપેલા એક એક્સ્ક્લ્યુઝિલ ઈન્ટરવ્યુમાં ઈશા દેઓલે જણાવ્યું હતું કે હું હંમેશા મારા પિતાને 'માય ટેડી બેર' કહીને બોલાવતી હતી. આ જ કારણ છે કે આજે મારો આખો પલંગ ટેડી બેર્સથી ભરેલો રહે છે કારણ કે તે મને મારા પપ્પાની યાદ અપાવે છે. તેમના જવાનું દુઃખ ક્યારેય સંપૂર્ણપણે ઓછું થતું નથી, બસ તમે સમય જતાં તેની સાથે જીવતા શીખી જાઓ છો. હું તેમને હંમેશા મારા હૃદયમાં રાખું છું અને તેમની શક્તિ દરેક ક્ષણે મારી સાથે હોય તેવો અનુભવ કરું છું.

તાજેતરમાં જ યોજાયેલા પદ્મ વિભૂષણ સન્માન સમારોહને યાદ કરતાં ઈશા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. આ સમારોહમાં હેમા માલિનીએ દિવંગત ધર્મેન્દ્ર વતી આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો. ઈશાએ જણાવ્યું હતું મારી માતાને પિતા વતી આ પુરસ્કાર સ્વીકારતા જોવી એ એક અત્યંત ઈમોશનલ મોમેન્ટ હતી. એ દિવસે મેં જે અનુભવ્યું તે માત્ર મારું એકલીનું નહીં, પણ અમારા આખા પરિવાર અને પપ્પાને પ્રેમ કરનારા કરોડો ફેન્સની લાગણી હતી.

ઈશાએ વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે, તેના પિતાને આ સન્માન તેમના કરિયરમાં ઘણું વહેલું મળી જવું જોઈતું હતું. સાચું કહું તો, મારા પિતા માટે એવોર્ડ્સ ક્યારેય સફળતાનું માપદંડ નહોતા. લોકો તરફથી મળેલો પ્રેમ અને આદર જ તેમની સૌથી મોટી કમાણી અને સિદ્ધિ હતી. બસ, આ એવોર્ડ વખતે કાશ તેઓ પોતે ત્યાં હાજર હોત તો ખુશી બમણી થઈ ગઈ હોત.

જ્યારે ઈશાને તેના પિતા સાથેની સૌથી યાદગાર પળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, મારા જીવનના દરેક તબક્કે તેમની હાજરી રહી છે, તેથી કોઈ એક યાદ પસંદ કરવી અશક્ય છે. એક દીકરી તરીકે 44 વર્ષ સુધી પોતાના પિતાને પોતાના આદર્શ માનવા એ જ મોટી વાત છે. બસ તેમનો હાથ પકડવો, તેમની અવાજ સાંભળવી... હું તેમની દરેક વાતને દરરોજ મિસ કરું છું અને હંમેશા કરતી રહીશ.

ઈશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે અને હી-મેનના ફેન્સ પણ આ પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરીને હી-મેનને ટ્રિબ્યુટ આપી રહ્યા છે.