Mon Jun 08 2026

Logo

ફિલિપાઈન્સમાં 7.8ના ભૂકંપ પછી વિનાશક સુનામીની ચેતવણી, 10 ફૂટનાં મોજાં ઉછળશે

Manila   2026-06-08 09:27:00
Author: Vimal Prajapati
Article Image


મનિલા: ફિલિપાઈન્સના દક્ષિણ ભાગમાં આજે  વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8ની માપવામાં આવી છે. આ પ્રચંડ ભૂકંપ બાદ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં સુનામીની ગંભીર ચેતવણી (Tsunami Warning) જારી કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ (Mindanao) વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને લોકોને તાત્કાલિક ઊંચા સ્થળોએ સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે. જો કે, હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

ઇન્ડોનેશિયા અને મલેશિયા પર પણ સુનામીનું સંકટ

ફિલિપાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ દ્વીપ પર આવેલા જનરલ સેન્ટોસ શહેરથી 13 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. સ્થાનિક સમય મુજબ સવારે 07:37 વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા જોતા ફિલિપાઈન્સના કેટલાક તટો પર 3 મીટર એટલે આશરે 10 ફૂટ સુધી ઊંચા સુનામીના મોજા ઉછળી શકે છે. આ ઉપરાંત પડોશી દેશો પર પણ તેની અસર જોવા મળી શકે છે.

ખાસ કરીને ઇન્ડોનેશિયા અને મલેશિયા આ બંને દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. તાઇવાન, જાપાન, ગુઆમ, પાપુઆ ન્યુ ગિની અને પશ્ચિમ પેસિફિક મહાસાગરના અન્ય ટાપુઓ પર નાના કદના સુનામી મોજા આવવાની શક્યતા છે. ફિલિપાઈન ઇન્સ્ટિટ્યૂટના વડા ટેરેસિટો બેકોલકોલે તટીય વિસ્તારોના નાગરિકો દરિયા કિનારો છોડીને તાત્કાલિક ઊંચા સ્થળોએ અથવા પ્રદેશની અંદરના ભાગોમાં જતા રહેવાની સલાહ આપી છે. 

 

શા માટે ફિલિપાઈન્સમાં વારંવાર ભૂકંપ આવે છે?

ભૂકંપના આંચકા ઇન્ડોનેશિયાના ઉત્તરી સુલાવેસી અને ઉત્તરી માલુકુ પ્રાંતોમાં પણ જોરદાર રીતે અનુભવાયા હતા. ફિલિપાઈન્સ વિશ્વના સૌથી વધુ કુદરતી આપત્તિઓનો સામનો કરતા દેશોમાંનો એક છે. આ દેશ પ્રશાંત મહાસાગરની ચારેય બાજુ ફેલાયેલી ભૂકંપની સક્રિય ફોલ્ટ લાઈનો પર સ્થિત છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘રિંગ ઓફ ફાયર’ કહેવામાં આવે છે. આ જ કારણે અહીં વારંવાર તીવ્ર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. આવી સ્થિતિના કારણે જ આ દ્વીપસમૂહ પર દર વર્ષે સરેરાશ 20 જેટલા ભયાનક ટાયફૂન અને ટ્રોપિકલ વાવાઝોડા પણ ત્રાટકે છે.