નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત 12 જૂન શુક્રવારથી થશે. વર્લ્ડકપ ઈગ્લેન્ડમાં રમાશે. ભારતીય મહિલા ટીમ આઠ મહિનામાં પોતાનું બીજું આઈસીસી ટાઈટલ જીતવા માટે આતુર છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ બેટ્સમેનો અને બોલરોનું ફોર્મ ચિંતાજનક છે. ટીમ ઈન્ડિયાને બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં ખામીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારતીય મહિલા ટીમે ગયા વર્ષે નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ તે પછી પણ ટીમ સંઘર્ષ કરી રહી હતી. જેમિમાહ રોડ્રિગ્સે સ્થિતિ સંભાળી અને ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તાજેતરમાં એવું લાગતું હતું કે ભારતે ટૂંકી ફોર્મેટમાં લગભગ તમામ ડિપાર્ટમેન્ટમાં પોતાની પક્કડ મજબૂત કરી લીધી છે, પરંતુ ટી-20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે સતત બે શ્રેણી હારથી તેની નબળાઈઓ છતી થઈ છે.
ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું નથી. વધુમાં નીચલા ક્રમના બેટ્સમેન પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ટીમની મુખ્ય પાવર હિટર ઋચા ઘોષ 14 જૂને પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ ઓપનર મેચ પહેલા રન કરવામાં સંઘર્ષ કરી રહી છે. અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન શાંતા રંગાસ્વામીનું માનવું છે કે ભારતની મુખ્ય સમસ્યા બેટિંગ અને ફિલ્ડિંગમાં નહીં, પરંતુ બોલિંગમાં છે. તેમની ચિંતાઓ વાજબી છે, કારણ કે ઇંગ્લેન્ડે ત્રણ મેચની શ્રેણી જીતવા માટે ભારત સામે 181 રનનો પડકારજનક લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમ અને અમનજોત કૌરની ગેરહાજરીએ ટીમનું સંતુલન બગાડી દીધું છે. ભારતીય ટીમ સ્પિન બોલરો પર ખૂબ આધાર રાખે છે અને ઝડપી બોલિંગમાં ઘણા વિકલ્પોનો અભાવ છે.
ઝડપી બોલિંગમાં નંદિની શર્માનું સારું પ્રદર્શન ભારત માટે સકારાત્મક પાસું રહ્યું છે. ડાબા હાથની સ્પિનર શ્રી ચારણીએ પણ પ્રભાવિત કર્યા છે. ઓફ સ્પિનર શ્રેયંકા પાટીલે વાપસી પછી સારું પ્રદર્શન કર્યું છે. રંગાસ્વામીએ પીટીઆઈને કહ્યું હતું કે, "ટીમે તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું નથી, પરંતુ તેમનું વલણ સકારાત્મક રહ્યું છે. મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડકપ જીતશે.
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર હવે 37 વર્ષની છે, અને આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. જો ભારત સતત 180 કે તેથી વધુ રન કરવા માંગે છે તો મિડલ ઓર્ડરમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. રંગાસ્વામીએ કહ્યું, "હું બેટ્સમેન તરીકે હરમનપ્રીતની પ્રશંસા કરું છું. તે હંમેશની જેમ ફિટ છે. પરંતુ મને શરૂઆતથી જ લાગ્યું હતું કે તેણે કેપ્ટનશીપ કરતાં તેની બેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
જો ભારતે ચેમ્પિયન બનવું છે તો ઓપનર મંધાના અને શેફાલીએ સારી શરૂઆત અપાવવી પડશે. યાસ્તિકા ભાટિયાએ વાપસી પછી ત્રીજા નંબરે બેટિંગ કરીને રન કર્યા છે પરંતુ તેને પોતાનો સ્ટ્રાઈક રેટ સુધારવાની જરૂર છે.