અમદાવાદઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા નજીક માત્ર બે દિવસમાં થયેલા બે અકસ્માતમાં સાત જણે જીવ ગુમાવ્યા હતા. શનિવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ચાર જણે જીવ ગુમાવ્યા હતા જ્યારે સોમવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણ જણના જીવ ગયા હતા. ઘટના અંગે મળતી માહિતી અનુસાર સોમવારે વહેલી સવારે વડોદરાના કરજણ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પાર્ક થયેલી કારને ટ્રકે ટક્કર મારતા ત્રણ જણના મોત નિપજ્યા હતા જ્યારે અન્યોને ઈજા થઈ હતી.
પરિવારના 11 સભ્ય રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરના દર્શન માટે જવા નીકળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારે એક્સપ્રેસ વેની બાજુમાં પોતાનું વાહન રોક્યું હતું ત્યારે એક અજાણ્યા ટ્રકે પાછળથી ખૂબ જ ઝડપે ટક્કર મારી હતી. જેમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અન્યને ઈજા થઈ હતી, જેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસના કહેવા અનુસાર અમુકની હાલત નાજૂક છે.
મૃતકોની ઓળખ દાદરા અને નગર હવેલીના સિલ્વાસાના રહેવાસી વિશાલ બાલુ દેવરે અને વંદનાબાઈ બાલુ દેવરે અને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રહેવાસી પ્રમોદભાઈ ભાઈદાસ પાટિલ તરીકે થઈ છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઈવર સ્થળ છોડીને ભાગી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી હતી. આવા એક અન્ય અકસ્માતમાં ચાર જણના મોત થયા હતા. શનિવારે મોડી રાત્રે વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર રૉંગ સાઈડ પર જઈ રહેલી કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા.
આ અક્સમાત પણ વડોદરા નજીક સામિયાલા ગામ બહાર એક્સપ્રેસ વે પર થયો હતો. મૃતક પરિવાર આમપાડ ગામથી મહેસાણા ખાતે એક મંદિરમાં દર્શનાર્થે જઈ રહ્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વાનનો ડ્રાઇવર નરેન્દ્રસિંહ રાઠોડ ભૂલથી એક્સપ્રેસ વેની અમદાવાદ તરફ જવાને બદલે મુંબઈ તરફ જતા કેરેજવેમાં ઘૂસી ગયો હતો. લગભગ ચાર કિલોમીટર સુધી વાહન ચલાવ્યા પછી, તેને ભૂલનો અહેસાસ થયો અને તેણે કથિત રીતે યુ-ટર્ન લીધો અને તે જ કેરેજવે પર ખોટી દિશામાં આગળ વધ્યો હતો. લક્ષ્મીપુરા ગામની હદમાં ટોલ પ્લાઝા નજીક વાન પાછળથી એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ચાર જણે જીવ ગુમાવ્યો હતો અને પાંચને ઈજા થઈ હતી. મૃતકોની ઓળખ ગૌરી સોલંકી, દલપત મેવાડા, નરેન્દ્રસિંહ રાઠોડ અને પ્રહલાદ બારડ તરીકે થઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.