Sun Sep 06 2026

Logo

છગન ભુજબળને રાજ્યસભામાં મોકલ્યા હોત તો દેશને તેમની કુશળતાનો લાભ મળી શક્યો હોતઃ સુપ્રિયા સુળેનું મોટું નિવેદન

2026-06-08 16:44:00
Author: Mumbai Samachar Team
છગન ભુજબળને રાજ્યસભામાં મોકલ્યા હોત તો દેશને તેમની કુશળતાનો લાભ મળી શક્યો હોતઃ સુપ્રિયા સુળેનું મોટું નિવેદન

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી - એસપી)નાં કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ આજે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળના નેતૃત્વની કુશળતા રાજ્ય પૂરતું સીમિત ન રહેવું જોઈએ. જો તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હોત તો દેશને તેમની સંસદીય કુશળતાનો લાભ મળી શક્યો હોત. ભુજબળની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ વિશેના પ્રશ્નોના જવાબમાં સુળેએ નવી દિલ્હીમાં સંવાદદાતાઓને જણાવ્યું હતું કે અનુભવી ઓબીસી નેતા રાષ્ટ્રીય રાજકારણમાં જવા ઈચ્છતા હોય તો તેમાં કશું ખોટું નથી.

બારામતીનાં સંસદ સભ્યએ એમ પણ જણાવ્યું હતું કે રાજકીય વર્તુળોમાં ભુજબળ હંમેશા આદરણીય રહ્યા છે. તેમને રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની જવાબદારી મળવી જોઈએ  એવું હું અનેક વર્ષોથી માનું છું. તેમના નેતૃત્વનો લાભ કેવળ મહારાષ્ટ્રને જ નહીં, સમગ્ર દેશને મળવો જોઈએ. ભુજબળને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા હોત તો ભારતને એક અગ્રણી રાષ્ટ્રીય નેતા મળી શક્યો હોત

સુપ્રિયા સુળેએ વધુમાં જણાંવ્યું હતું કે સંસદમાં તેમની બોલવાની શૈલી, તેમના ભાષણો અને તેમના વિચારો પ્રભાવશાળી સાબિત થયા હોત. દિલ્હીમાં તેમની સક્રિયતા એક રાષ્ટ્રીય નેતૃત્વ ઊભું કરી શક્યું હોત. તેમની ઈચ્છા રાજ્યસભામાં જવાની છે.'

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠક માટે 18 જૂનએ યોજાનારી રાજ્યસભા પેટાચૂંટણી માટે તેમને દાવેદાર માનવામાં આવતા હતા,. જોકે, એનસીપીએ રાજેન્દ્ર જૈનને ઉમેદવારી આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉમેદવારી નોંધાવતા પહેલા તેમના ભત્રીજા સમીર ભુજબળને રાજ્ય પ્રધાન મંડળમાં સ્થાન આપવાની તેમની માંગણી સ્વીકારવામાં આવી ન હતી. 
(પીટીઆઈ)