Mon Jun 08 2026

Logo

રેલવે માર્ગે કચ્છી કેસરની નિકાસનો ધમધમાટ: સ્થાનિક બજારમાં ભાવ ગગડ્યા

2026-06-08 11:27:00
Author: Mumbai Samachar Team
Article Image

કચ્છી કેસર કેરીની મુંબઈ-દિલ્હી, અમદાવાદ સહિતના શહેરોમાં ભારે માંગ 

ભુજ
: ઉનાળાની શરૂઆતમાં રત્નાગીરીની આફૂસ અને આંધ્રપ્રદેશની વિવિધ કેરીઓનો સ્વાદ ચાખ્યા બાદ હવે કચ્છીઓ પોતાના જ મુલકની જગવિખ્યાત કેસર કેરીના રસનો આસ્વાદ માણી રહ્યા છે. આ વર્ષે પણ અન્ય રાજ્યોમાં કચ્છી કેસરની માંગ યથાવત્ રહેતાં છેલ્લા પાંચેક દિવસથી ભુજ રેલવે સ્ટેશન પરથી રોજની અંદાજે  7 ટન જેટલી કેરી બોગીઓ મારફતે અન્ય રાજ્યોમાં રવાના કરવામાં આવી રહી છે.

ચાલુ વર્ષે સુપર અલનીનોને કારણે રહેલું  વિષમ વાતાવરણ, અસહ્ય ગરમી અને પવનની તીવ્ર ઝડપના કારણે કેરીના ઉત્પાદન પર વિપરીત અસર જોવા મળી છે. તેમ છતાં, જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની વાડીઓમાં પાકેલો ગુણવત્તાયુક્ત માલ રેલવે માર્ગ ઉપરાંત અન્ય વાહનો દ્વારા દેશના ખૂણે-ખૂણે પહોંચી રહ્યો છે. સામાન્ય રીતે કચ્છી કેસરની વિદેશોમાં મોટી માંગ હોય છે, પરંતુ હાલ મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં યુદ્ધના કારણે વિદેશી નિકાસ પ્રભાવિત થઈ છે. પરિણામે, સ્થાનિક અને રાષ્ટ્રીય બજારમાં અત્યારે કચ્છી કેસરનો પુષ્કળ જથ્થો ઉપલબ્ધ બન્યો છે.

ભુજ રેલવે સ્ટેશનના પાર્સલ ઓફિસર  અખ્તરે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કચ્છથી મુખ્યત્વે મુંબઈના બાંદ્રા તરફ કેરીનો જથ્થો વધુ નિકાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત પુના, રાજધાની દિલ્હી અને અમદાવાદ જેવાં  શહેરોમાં પણ અહીંથી માલ મોકલવામાં આવે છે. રેલવે તંત્ર દ્વારા પાર્સલ માટે પ્રત્યેક કિલોગ્રામે માત્ર રૂ.3 થી રૂ 4  જેટલો નજીવો ચાર્જ વસૂલવામાં આવે છે. બજારમાં અત્યારે ખાસ કરીને 2 કિલોથી લઈ 5 કિલો સુધીના કેરીના બોક્સનું ચલણ વધુ જોવા મળી રહ્યું છે.

કેરીના કેટલાક વેપારીઓએ ગ્રાહક સંતોષનો અનોખો પ્રયોગ હાથ ધર્યો છે,તેઓ ગ્રાહકોના ઓર્ડર મુજબ કેરીના બોક્સ જે-તે ટ્રેનના મુસાફરની સીટ સુધી પહોંચાડવાની હોમ-ડિલિવરી જેવી સેવા આપી રહ્યા છે. બજારમાં જે ફળ મજબૂત અને ગુણવત્તાયુક્ત છે, તેના ખેડૂતોને ખૂબ સારા દામ મળી રહ્યા છે.

એક તરફ નિકાસનો ધમધમાટ છે, તો બીજી તરફ સ્થાનિક બજારોમાં કેરીની અતિશય આવકને કારણે ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ભુજના પ્રખ્યાત ભીડ બજાર અને ભીંડી બજારમાં ફ્રૂટના વેપારીઓ અત્યારે કેસર કેરી માત્ર રૂ 100ના ચાર કિલો એટલે કે રૂ 25  પ્રતિકિલોના ભાવે વેચી રહ્યા છે.

બીજી તરફ, કેટલાક વેપારીઓનું માનવું છે કે, સીઝનની શરૂઆતમાં રત્નાગીરીની પ્રીમિયમ ક્વોલોટીની આફૂસનો સ્વાદ ચાખ્યા બાદ સ્થાનિક ગ્રાહકો દ્વારા કચ્છી કેસરની ગુણવત્તાને થોડી ઓછી આંકવામાં આવે છે. જો કે, આ તમામ પડકારો વચ્ચે પણ કચ્છના પ્રતિકૂળ હવામાનમાં બાગાયતી ખેતી તરફ વળેલા અહીના ખેડૂતો જે રીતે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે અને વૈશ્વિક બ્રાન્ડ બનાવી રહ્યા છે, તે  કચ્છીઓ માટે ગૌરવની બાબત છે.

ઉત્સવ વૈદ્ય