નવી દિલ્હી: દેશના રાજકારણમાં આજે સોમવારે એક મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળવા જઈ રહ્યો છે. દિલ્હીમાં આજે દેશના 23 વિરોધ પક્ષો એક મહત્ત્વની બેઠક કરવા જઈ રહ્યા છે. આ એવા પક્ષો છે જે INDIA ગઠબંધનનો ભાગ છે અને વર્ષ 2029ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપવા માંગે છે. જો કે, તાજેતરમાં જ યોજાયેલી કેટલીક રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી હવે ગઠબંધનની અંદર જ ભારે ખેંચતાણની સ્થિતિ ઉભી થઈ છે. આ જ આંતરિક મતભેદોને ઉકેલવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.
ચૂંટણી પરિણામોથી ગઠબંધન નબળું પડ્યું
તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષી ગઠબંધનને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની હાર થઈ છે, જે ગઠબંધનનો એક મજબૂત સ્તંભ માનવામાં આવતી હતી. તમિલનાડુમાં ગઠબંધનની તાકાત ગણાતી ડીએમકે (DMK) ને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ બે મોટા રાજ્યોમાં મળેલી હારના કારણે ગઠબંધનની સ્થિતિ હાલ નબળી દેખાઈ રહી છે અને નેતાઓ વચ્ચે અવિશ્વાસ વધ્યો છે. જેથી હવે બેઠક કરીને ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.
કોણ-કોણ આપશે હાજરી?
આ બેઠકમાં વિપક્ષના તમામ મોટા ચહેરાઓ એકસાથે જોવા મળશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે પુષ્ટિ કરી છે કે 23 પક્ષોએ આ 'INDIA'ની બેઠકમાં આવવાની ખાતરી આપી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, TMC તરફથી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, RJDના તેજસ્વી યાદવ, શિવસેના (UBT) ના ઉદ્ધવ ઠાકરે અને ડાબેરી પક્ષોના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
DMK અને AAP એ બનાવી દૂરી
આ બેઠક શરૂ થાય તે પહેલા જ ગઠબંધનને બે મોટા ઝટકા લાગ્યા છે. આમ આદમી પાર્ટી પહેલાથી જ ગઠબંધનથી અંતર જાળવી ચૂકી છે અને તે ખુલ્લેઆમ કહી ચૂકી છે કે તે હવે INDIA નો હિસ્સો રહેવા માંગતી નથી. સાથે તમિલનાડુમાં કોંગ્રેસે DMK સાથેનો છેડો ફાડીને ટીવીકે (TVK) ની આગેવાની હેઠળની સરકારને સાથ આપ્યો છે. આનાથી નારાજ થઈને DMKએ બેઠકનો બહિષ્કાર કર્યો છે.
Delhi: Congress National President Mallikarjun Kharge leaves from his residence to attend the INDIA alliance meeting pic.twitter.com/NJkWIoKY47
— IANS (@ians_india) June 8, 2026
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણ બેઠકમાં તમિલનાડુના નવા પક્ષ TVK ને ગઠબંધનમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવી શકે છે. જયરામ રમેશે જણાવ્યું કે, કેટલાક પક્ષો પોતાની સ્થાનિક મજબૂરીઓના કારણે નથી આવી રહ્યા, પરંતુ તેઓ કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરવામાં અમારી સાથે જ છે. આ ગઠબંધનમાં અંદરો અંદર વિવાદ ચાલી રહ્યો છે.
આ બેઠકના મુખ્ય એજન્ડા શું હોઈ શકે
વિપક્ષી ગઠબંધનની આ બેઠકનો મુખ્ય હેતુ આગામી સમયમાં આવી રહેલી વિવિધ રાજ્યોની ચૂંટણીઓ અને 2029ની લોકસભા ચૂંટણીઓ માટે એક થઈને સીટ-શેરિંગ અને પ્રચારની સંયુક્ત રણનીતિ નક્કી કરવાનો છે. આ સાથે જુદા જુદા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વિવાદોને ટેબલ ટોક દ્વારા શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ ટીએમસીના ઘણા નેતાઓ અને કાર્યકરો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. ટીએમસી આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવશે અને અન્ય પક્ષો પાસેથી નૈતિક સમર્થન માંગશે. ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે, આ બેઠક એક સમાન ઉદ્દેશ્ય અને સ્પષ્ટ ઈરાદા સાથે યોજાઈ રહી છે અને તેના હકારાત્મક પરિણામો આવશે.