Wed Sep 09 2026

Logo

મેસી ઈજાને કારણે વધુ એક મૅચ ન રમ્યો, આર્જેન્ટિનાની ટીમ અને ચાહકો ચિંતામાં

College Station, Texas   2026-06-07 18:02:23
Author: Ajay Motiwala
મેસી ઈજાને કારણે વધુ એક મૅચ ન રમ્યો, આર્જેન્ટિનાની ટીમ અને ચાહકો ચિંતામાં

AP


કૉલેજ સ્ટેશન (ટેક્સસ): 2022ના ફિફા (Fifa) વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને ટ્રોફી અપાવનાર સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી (Messi) આ વખતે કદાચ છેલ્લી વખત વિશ્વ કપમાં જોવા મળશે, પરંતુ તેની ઈજા (Injury)એ તેના દેશની ટીમને તેમ જ અસંખ્ય ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે.

ત્રણ અઠવાડિયામાં જીવનના 39 વર્ષ પૂરા કરનારો મેસી તાજેતરમાં આર્જેન્ટિનાની એક મૅચમાં નહોતો રમ્યો અને ત્યાર બાદ હવે શનિવારે તે હૉન્ડુરસ સામેની આર્જેન્ટિનાની ફ્રેન્ડલી મૅચમાં પણ નહોતો રમ્યો. આર્જેન્ટિના આ મૅચ 2-0થી જીતી ગયું હતું અને મેસીએ બેન્ચ પર બેઠા-બેઠા એ જીત માણી હતી.

મેસીને સ્નાયુઓમાં ખૂબ દુખાવો છે. ખાસ કરીને તેને ડાબા પગમાં સાથળની પાછળના ભાગમાં અસહ્ય દુખાવો છે જેને લીધે તે હમણાં રમવાનું ટાળે છે.

11મી જૂને ફિફા વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે રમાશે. 16મી જૂને આર્જેન્ટિના પોતાની પ્રથમ મૅચ અલ્જિરિયા સામે રમશે. એ પહેલાં આર્જેન્ટિનાની મંગળવારે વધુ એક પ્રૅક્ટિસ મૅચ આઇસલૅન્ડ વિરુદ્ધ રમાશે જેમાં મેસી રમશે કે કેમ એ જોવું રહ્યું.

ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ 26 મૅચ રમવાનો વિશ્વવિક્રમ મેસીના નામે છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 16 ગોલનો જર્મનીના મિરોસ્લાવ ક્લોઝનો વર્લ્ડ રેકૉર્ડ તોડવા માટે મેસીને માત્ર ચાર ગોલની જરૂર છે.