Sat Jun 06 2026

Logo

સપ્તાહના અંતે અમેરિકાનાં જોબ ડેટા અપેક્ષા કરતાં મજબૂત આવતા સોનામાં ત્રણ ટકાનું અને ચાંદીમાં સાત ટકા જેટલું ગાબડું

2026-06-06 20:22:00
Author: Ramesh Gohil
Article Image

વૈશ્વિક બજારમાં ગત સપ્તાહે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાના આશાવાદ અને નિરાશાવાદના અહેવાલો વચ્ચે ક્રૂડ તેલ અને ડૉલર ઈન્ડેક્સ બેતરફી વધઘટે અથડાઈને જતાં સોના અને ચાંદીમાં પણ બેતરફી વધઘટ જોવા મળી હોવા છતાં એકંદરે સાપ્તાહિક ધોરણે નરમાઈનું વલણ રહ્યું હતું. વિશ્વ બજારમાં ક્રૂડતેલ અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં સોના-ચાંદીમાં ઘટાડો અને ક્રૂડતેલ તથા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં સોના-ચાંદીમાં સુધારો જોવા મળ્યો હતો.

આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુમાં બેતરફી વધઘટના અંતે બન્ને કિંમતી ધાતુઓમાં સાપ્તાહિક ધોરણે નરમાઈનો જ અન્ડરટોન રહ્યો હતો. જોકે, ગત શુક્રવારે અમેરિકાના જાહેર થયેલા નોન ફાર્મ પૅ રૉલ ડેટા અપેક્ષા કરતાં મજબૂત આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે અને વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં 2.96 ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 6.8 ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હોવાના અહેવાલ હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે 4.3 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગત સપ્તાહે ડૉલર સામે રૂપિયામાં 28 પૈસાનો ઘટાડો આવ્યો હોવાને કારણે આયાત પડતરો વધી આવતા વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો 1.42 ટકા જેટલો મર્યાદિત રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના સ્થાનિક વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 28મી મેના 10 ગ્રામદીઠ રૂ. 1,56,463ના બંધ ભાવ સામે સાધારણ નરમાઈ સાથે રૂ. 1,55,599ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,55,036 અને ઉપરમાં રૂ. 1,56,294ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 2225 અથવા તો 1.42 ટકા ઘટીને રૂ. 1,54,238ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા ગત 28મી મેના રૂ. 2,63,350ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 2,62,900ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન રૂ. 2,54,950થી 2,66,200ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 6442 અથવા તો 2.44 ટકા ઘટીને રૂ. 2,56,908ના મથાળે બંધ રહ્યા હતા. 

સપ્તાહ દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ભારે ચંચળતાનું વલણ રહ્યું હોવાથી બન્ને કિંમતી ધાતુઓમાં માગ નિરસ રહી હતી અને સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 87 ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ આૈંસદીઠ 106 ડૉલરના મથાળે રહ્યું હતું. એકંદરે હવે લગ્નસરાની મોસમ પૂરી થવામાં હોવાથી રિટેલ માગ ઓસરી ગઈ છે અને જ્વેલરોની દુકાનમાં ગ્રાહકોની ચહેલપહેલ ઓછી થઈ ગઈ હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે ભારતમાં સોનાની માગનું મુખ્ય પરિબળ લગ્નગાળો છે અને તે હવે લગભગ પૂરો થઈ ગયો હોવાથી છેલ્લાં કેટલાક સપ્તાહથી માગ દબાણ હેઠળ છે. તેમ જ જૂનો સ્ટોક વેચાણ માટે આવી રહ્યો છે તેનું ડિસ્કાઉન્ટમાં વેચાણ થઈ રહ્યું છે.

વધુમાં ગત મહિનાના આરંભમાં સરકારે સોના-ચાંદી પરની આયાત જકાતમાં વધારો કરવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ ખાતાની ખાધને અંકુશમાં રાખવા માટે જનતાને શક્ય હોય તો એક વર્ષ સુધી સોનાની અનાવશ્યક ખરીદી ન કરવાનું અને ખાદ્યતેલનો વિવેકપૂર્ણ વપરાશ કરવાની હાકલ કરી હોવાને કારણે પણ માગ મર્યાદિત રહેતી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત મે મહિનામાં વર્ષમાં પહેલી વખત ભારતીય રોકાણકારોએ સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં નફો બુક કર્યો હોવાથી ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી. 

દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના જાહેર થયેલા મે મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં રોજગારોની સંખ્યામાં રૉઈટર્સની અપેક્ષિત 85,000ની વૃદ્ધિ સામે 1,72,000નો વધારો નોંધાયો હોવાનું અમેરિકી લેબર ડિપાર્ટમેન્ટના બ્યુરો ઑફ લેબર સ્ટેટેસ્ટિક્સે જણાવ્યું હતું. આમ રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી તેમ જ અમેરિકા અને ઈરાન તથા ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહેતાં હોવાથી ફુગાવામાં વધારો થવાની ભીતિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 2.96 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 4341.52 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 3.1 ટકાના ઘટાડા સાથે 4365.3 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા,

જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 6.8 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 68.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધી આવતા સોનાના ભાવ વધુ દબાણ હેઠળ રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. આમ ગત સપ્તાહના અંતે વૈશ્વિક સોના-ચાંદીમાં કડાકા બોલાઈ જતાં સ્થાનિકમાં પણ સપ્તાહના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. 

અમેરિકા-ઈરાન અને ઈઝરાયલ તથા લેબેનોન વચ્ચેનાં ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના વધેલા ભાવને કારણે ફુગાવામાં વધારો થવાની શક્યતા અને ફુગાવો વધતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષના અંતે ડિસેમ્બરમાં વધતા ફુગાવાને અંકુશમાં લાવવા માટે વ્યાજદરમાં વધારો કરે તેવી 72 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો મૂકી રહ્યા છે. એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાનના વિવાદમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ હોવાને કારણે ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી ફુગાવામાં વધારો થતાં ફેડરલ રિઝર્વ સહિતની કેન્દ્રવર્તી બૅન્કો તંગ નાણાનીતિ અપનાવીને વ્યાજદરમાં વધારો કરે તેવી ધારણા હેઠળ સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ રહી શકે છે.

જોકે, અમુક અંશે કેન્દ્રવર્તી બૅન્કોની અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડોની સોનામાં લેવાલી ભાવઘટાડો મર્યાદિત રાખી શકે છે. તેમ છતાં અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 4390 ડૉલરની અને 4640 ડૉલરની સપાટી અનુક્રમે મહત્ત્વની ટેકાની અને પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 67થી 78 ડૉલરની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે. વધુમાં સ્થાનિક સ્તરે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,52,000થી 1,63,000ની રેન્જમાં અને ચાંદીના ઓનલાઈન વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,40,000થી 2,73,000ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.