Wed Sep 09 2026

Logo

ભુજમાં સસ્તા સોના અને નકલી નોટોની જાળ બિછાવનારો ગઠિયો ઝડપાયો

2026-06-08 11:31:00
Author: Mumbai Samachar Team
ભુજમાં સસ્તા સોના અને નકલી નોટોની જાળ બિછાવનારો ગઠિયો ઝડપાયો

ભુજ : બજાર ભાવ કરતાં ખૂબ જ સસ્તા ભાવે શુદ્ધ સોનું આપવાની તેમજ ભારતીય ચલણની નોટો પૂરી પાડવાની સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો મૂકીને નિર્દોષ લોકોને છેતરવાનું મોટું નેટવર્ક ચલાવતા ભુજના એક ગઠિયાને સ્થાનિક ગુન્હાશોધક શાખાએ પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબી પાસેથી મળતી વિગતો મુજબ, બાતમીદારો પાસેથી મળેલા ઈન્પુટના આધારે પોલીસે ભુજના જીલાનીનગર વિસ્તારમાં દરોડો પાડીને મોહમ્મદ તોફીક જુણસ સોઢા નામના શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મળી આવેલા એન્ડ્રોઇડ મોબાઈલ ફોનની સઘન ચકાસણી કરતાં ઓનલાઈન છેતરપિંડીના મોટા કારસાનો પર્દાફાશ થયો હતો.

આરોપી મોહમ્મદ તોફીકે ફેસબુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છેતરામણી માટે 'રાહુલભાઈ' નામે એક બોગસ પ્રોફાઈલ આઈ.ડી બનાવી હતી. આ આઈ.ડી તેમજ અન્ય એન્ટરપ્રાઈઝ પેજ પર તેણે બજાર ભાવ કરતાં સસ્તા દરે સોનું વેચવાના તથા અસલી જેવી જ નકલી ભારતીય નોટો આપવાના લોભામણા વીડિયો અને ફોટા અપલોડ કર્યા હતા. આ આકર્ષક જાહેરાતો પાછળ તેનો મુખ્ય હેતુ ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવી મોટી રકમ પડાવીને છેતરપિંડી આચરવાનો હતો. કોઈ નાગરિક આ ટોળકીનો શિકાર બને તે પૂર્વે જ પોલીસે તેને દબોચી લીધો છે અને આ ગુનાહિત પ્રવૃત્તિમાં તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.