અમદાવાદઃ રાજ્યના 8 ઉચ્ચ પોલીસ અધિકારી આગામી તારીખ 11 અને 12 જૂને પાકિસ્તાન સરહદ પાસે આવેલા ગુજરાતના સરહદી વિસ્તાર વાવ - થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના 16 બોર્ડર વિલેજિસની મુલાકાત લેવાના છે. મહત્વની વાત એ છે કે, આ મુલાકાત દરમિયાન તમાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ત્યાં જ સ્થાનિકના ઘરે રાત્રિ રોકાણ પણ કરવાના છે.
11 અને 12 જૂને થસે સરહદી જિલ્લાઓની મુલાકાત
આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારીનો છે. આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત એડીજીપી વાબંગ ઝમીર, વાવ - થરાદ જિલ્લાના આસરગામ અને રાછેણા ગામની મુલાકાત કરશે. આ ઉપરાંત એડીજીપી અજયકુમાર ચૌધરી કચ્છ(ઈસ્ટ) જિલ્લાના શિરાનીવાંઢ અને જટાવાડા ગામ, આઈજીપી બિપિન શંકરરાવ આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, ડીઆઈજીપી એ. એમ. મુનિયા વાવ - થરાદ જિલ્લાના રાડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેશે.
કોણ ક્યાં રોકાણ કરશે?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કચ્છ (વેસ્ટ) જિલ્લામાં ડીઆઈજીપી કે. એન. ડામોર જુના અને દેઢીયા ગામ, ડીઆઈજીપી ડો. લીના પાટીલ ઉધમો અને પટાગર, એસીપી આર. ટી. સુસરા પુંરાજપુર અને ગુનાઉ તથા ડીઆઈજીપી સુધા એસ. પાંડે દીનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રિ રોકાણ કરવાના છે.
સરહદ સુરક્ષા અને ગ્રામીણ સમીક્ષા માટે સઘન કવાયત
આ બે દિવસીય બોર્ડર વિલેજ વિઝિટ પ્રોગ્રામ ઔપચારિક મુલાકાત નહીં, પરંતુ સરહદ સુરક્ષા અને ગ્રામીણ સમીક્ષા માટેની એક સઘન કવાયત છે. મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસણી, દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો સાથે સંવાદ, રાત્રિસભા, ગ્રામજનો સાથે લોકસંવાદ તથા સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ પહેલ કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે અખબારી યાદીમાં જણાવ્યું હતું.