નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ગંભીર સૈન્ય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિદેશ મંત્રાલયના નિર્દેશ પર ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા અને મુસાફરી કરવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી (Travel Advisory) જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીયોને ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા માટે સખત તાકીદ કરવામાં આવી છે, તેમજ જે નાગરિકો હાલમાં ઈરાનમાં હાજર છે તેમને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ અને પરિવહનના વિકલ્પોનો ઉપયોગ કરીને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતીય દૂતાવાસે એક્સ પર આપી સત્તાવાર માહિતી
ઈરાનમાં કાર્યરત ભારતીય દૂતાવાસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર આ એડવાઈઝરી શેર કરી છે. ભારતીય દૂતાવાસે લખ્યું કે, ‘સમગ્ર ક્ષેત્રમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, દૂતાવાસ તમામ ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની તેની અગાઉની સલાહને પુનરાવર્તિત કરે છે. ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યારે જે પણ પરિવહનના સાધનો ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને વહેલી તકે દેશ છોડી સુરક્ષિત સ્થળે ચાલ્યા જાય’.
— India in Iran (@India_in_Iran) June 8, 2026
શા માટે પશ્ચિમ એશિયામાં અચાનક તણાવ વધ્યો?
ભારત સરકારની આ નવી એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સૈન્ય અથડામણો બાદ સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. મિડલ ઈસ્ટના દેશોમાં કોઈપણ સમયે મોટા પાયે હવાઈ હુમલાઓ થવાની આશંકા સેવાઈ રહી છે. ભારત વિદેશ મંત્રાલય આ સમગ્ર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પર ચોવીસ કલાક કડક નજર રાખી રહ્યું છે. સરકારે ક્ષેત્રમાં રહેતા બાકીના ભારતીયોને સતત સાવચેતી રાખવા અને ઈમરજન્સી અપડેટ્સ માટે કોઈપણ વિલંબ વગર ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે.