ભારત 40 ગોલ્ડ સહિત કુલ 50 મેડલ સાથે મોખરે
અમદાવાદઃ ભૂજની હીના રાજગોર (Heena Rajgor) રવિવારે અહીં એકા અરીનામાં સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપમાં રોમાંચક મુકાબલામાં 43.50 પૉઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતીને છવાઈ ગઈ હતી. તેણે આ ચંદ્રક સિનિયર-બી ફીમેલ કૅટેગરીમાં ફૉર્વર્ડ (Forward) બેન્ડ હરીફાઈમાં મેળવ્યો હતો.
રવિવારે ચૅમ્પિયનશિપનો ચોથો દિવસ હતો અને ભારતીય ઍથ્લીટો ગોલ્ડ મેડલ જીતવા માટેની દોડમાં અગે્રસર રહ્યા હતા. ભારતે આ સ્પર્ધાની વિવિધ કૅટેગરીઓમાં 40 ગોલ્ડ મેડલ સાથે કુલ 50 ચંદ્રક જીતી લીધા છે જેમાં આઠ સિલ્વર અને બે બ્રૉન્ઝ પણ છે.
બીજા નંબરે જાપાન છે જેના ઍથ્લીટોએ કુલ ત્રણ ગોલ્ડ સહિત 10 ચંદ્રક જીત્યા છે. સિંગાપોર બે ગોલ્ડ સહિત છ મેડલ સાથે ત્રીજા સ્થાને છે.
હીના રાજગોર જે વર્ગમાં ગોલ્ડ જીતી એમાં સિલ્વર મેડલ ઓમાનની ભારતીય મૂળની પ્રીતિ જૈમાની (38.15 પૉઇન્ટ)એ અને બ્રૉન્ઝ મેડલ રશિયાની સ્વેત્લાના તથા જોર્ડનની માયા અલૉસ્તાથ સંયુક્ત રીતે બ્રૉન્ઝ જીતી હતી.