Mon Jun 08 2026

Logo

IND VS AFG ટેસ્ટ: ભારતે અફઘાનિસ્તાન સામે એક ઈનિંગ અને 300 રનથી મેળવી ઐતિહાસિક જીત

2026-06-08 17:30:44
Author: Mumbai Samachar Team
Article Image

માનવ સુથારે ડેબ્યૂ ટેસ્ટમાં ઝડપી 7 વિકેટ, ગિલ અને રાહુલની શાનદાર સદી સાથે ભારતે રચ્યો ઈતિહાસ

મુલ્લાનપુરઃ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ એક ઇનિંગ અને 300 રનના મોટા માર્જિનથી જીતી લીધી હતી. મેચના ત્રીજા દિવસના ત્રીજા સત્રમાં ભારતે જીત હાંસલ કરી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતની સૌથી મોટી ઇનિંગ વિજય હતી. અગાઉ, ભારતે ઓક્ટોબર 2018માં રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે એક ઇનિંગ અને 272 રનથી જીત મેળવી હતી.
 
ભારતે પોતાની પ્રથમ ઇનિંગ આઠ વિકેટે 564 રન પર ડિકલેર કરી હતી અને ત્રીજા દિવસે અફઘાનિસ્તાનને 152 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આનાથી ભારતને 412 રનની લીડ મળી અને ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને ફોલોઓન કરવાની ફરજ પાડી હતી. બીજી ઇનિંગમાં અફઘાનિસ્તાનની બેટિંગ નબળી રહી અને  ફક્ત 112 રન જ કરી શકી હતી. બીજી ઇનિંગમાં અફઘાનિસ્તાને નવ વિકેટ ગુમાવી દીધી, પરંતુ અશરફ બેટિંગ કરવા આવ્યો નહોતો.
 
માનવ સુથારનું શાનદાર પ્રદર્શન રહ્યું

બીજી ઇનિંગમાં અફઘાનિસ્તાન તરફથી સિદ્દિકુલ્લાહ અટલે સૌથી વધુ 42 રન કર્યા હતા. આખી ટીમ ફક્ત 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બીજી ઇનિંગમાં ફક્ત ત્રણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ લીધી, જ્યારે કુલદીપ યાદવે ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. 

માનવ સુથારને વધુ એક મળી હતી જ્યારે મોહમ્મદ સિરાજે પણ એક વિકેટ લીધી હતી. ભારત તરફથી માનવ સુથારનું પ્રદર્શન શાનદાર હતું. તેની ડેબ્યૂ ટેસ્ટમાં તેણે કુલ સાત વિકેટ ઝડપી હતી જેમાં પ્રથમ ઇનિંગમાં છ વિકેટ અને બીજી ઇનિંગમાં એક વિકેટ લીધી હતી.

સાઈ સુદર્શન-ગિલની રેકોર્ડબ્રેક ઈનિંગ્સ

અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી ભારતીય ટીમે સારી બેટિંગ કરી હતી. કેએલ રાહુલ અને સાઈ સુદર્શને બીજી વિકેટ માટે 139 રનની મહત્વપૂર્ણ ભાગીદારી સાથે ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. 

કેએલ રાહુલે 165 બોલમાં તેની ટેસ્ટ સદી પૂરી કરી હતી. કેપ્ટન શુભમન ગિલે 177 બોલમાં 126 રન ફટકાર્યા હતા. ભારતે આઠ વિકેટે 564 રન પર પોતાનો પહેલો દાવ ડિક્લેર કર્યો હતો.

અફઘાનિસ્તાનનો બીજો દાવ 112 રનમાં પૂરો

જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ તેના પ્રથમ દાવમાં 152 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને ફોલોઓન કરવાની ફરજ પડી હતી. પ્રથમ દાવના આધારે ભારતે 412 રનની નોંધપાત્ર લીડ મેળવી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાનનો બીજો દાવ ફક્ત 112 રનમાં પૂર્ણ થયો હતો.