હરિયાણવી લોક ગાયક અને સોશિયલ મીડિયા પર પોતાના અનોખા અંદાજથી ધૂમ મચાવનાર મશહૂર કલાકાર યશપાલ શર્મા ઉર્ફે પેપ્સી શર્માએ આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે. માત્ર 38 વર્ષની નાની ઉંમરે તેમનું આકસ્મિક નિધન થતાં તેમના ફેન્સ અને હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ છે. પરિવારના જણાવ્યા અનુસાર, હાર્ટ અટેકને કારણે તેમનું નિધન થયું હોવાની માહિતી સામે આવી છે.
હરિયાણવી સિંગર યશપાલ શર્માના નિધન અંગે માહિતી આપતા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે ગઈકાલે અચાનક જ તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તકલીફ વધતા તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
યશપાલ શર્મા પોતાના સ્ટેજ નામ 'પેપ્સી શર્મા' થી ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા. ગાઝિયાબાદના પટલા ગામના વતની પેપ્સી શર્માએ હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને સમગ્ર એનસીઆર વિસ્તારમાં પોતાના સ્ટેજ પરફોર્મન્સથી ભારે લોકપ્રિયતા મેળવી હતી. રાષ્ટ્રીય લોકદળ પાર્ટીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ દિગ્ગજ કલાકારને શ્રદ્ધાંજલિ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પેપ્સી શર્મા એ રાગિણી કોમ્પિટિશનનો એક ખૂબ જ જાણીતો ચહેરો હતા. એમાં પણ ખાસ કરીને હરિયાણાની ગૌશાળાઓના લાભાર્થે યોજાતા કાર્યક્રમોમાં તેમની હાજરી અનિવાર્ય ગણાતી. ગાયકીના હુનર ઉપરાંત તેઓ પોતાના રમૂજી સ્વભાવ, જબરદસ્ત કોમિક ટાઇમિંગ અને લાઈવ શો દરમિયાન વાતોથી દર્શકોને મંત્રમુગ્ધ કરવાની કળા માટે લોકપ્રિય હતા. તેમની ડાન્સ સ્ટાઇલ પણ અદભુત હતી અને તેમણે બોલીવૂડ સિંગર બાદશાહ, વિશાલ દદલાની અને ફિલ્મમેકર કરણ જોહર જેવા દિગ્ગજો સામે પણ લાઈવ પરફોર્મ કરી ચૂક્યા હતા અને વાહવાઈ મેળવી ચૂક્યા હતા.
પેપ્સી શર્માએ અનેક સ્ટેજ પ્રોગ્રામ્સમાં હરિયાણાની ક્વીન ગણાતી સપના ચૌધરી સાથે પણ સ્ટેજ શેર કર્યું હતું. તેમનો સૌથી લોકપ્રિય પરફોર્મન્સ એક 'નાગિન ડાન્સ'નો હતો, જેમાં તેમણે પોતાની અદભુત ડાન્સિંગ સ્ટાઈલથી ખુલ્લા મંચ પર સપના ચૌધરીને પણ ટક્કર આપીને હરાવી દીધા હતા. એક મ્યુઝિક કંપની દ્વારા જાહેર કરાયેલા આ નાગિન ડાન્સના વીડિયોને યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં છ કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે.
વાત કરીએ યશપાલ શર્માના પરિવારની તો કળા જગતને હસાવનાર આ કલાકાર પોતાના પરિવારમાં 10 વર્ષની પુત્રી અને સાત વર્ષના પુત્રનો સમાવેશથાય છે. તેમના અકાળ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને બંને માસૂમ બાળકો માટે આ સમય અત્યંત મુશ્કેલ બની ગયો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને કલાકારો તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.