Sat Jun 06 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામત વધીને 682 અબજ ડૉલર

2026-06-06 20:20:54
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત 28મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણની અનામત 93.8 કરોડ ડૉલર વધીને 682.321 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 7.511 અબજ ડૉલર ઘટીને 681.384 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. 

અગાઉ ગત 27મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 728.494 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચી હતી. જોકે, ત્યાર બાદ 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલા કર્યા બાદ યુદ્ધ ફાટી નીકળતાં ક્રૂડ તેલના ભાવ વધી આવ્યા હતા અને તેને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થયેલા ધોવાણને ખાળવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા સમયાંતરે બજારમાં હસ્તક્ષેપ કરવામાં આવતો હોવાથી અનામતમાં ઘટાડો થયો હતો. 

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણની અનામત 3.116 અબજ ડૉલર વધીને 546.148 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 2.186 અબજ ડૉલર ઘટીને 112.6 અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 80 લાખ ડૉલર વધીને 4.826 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ આગલા સપ્તાહના 18.747 અબજ ડૉલરના સ્તરે યથાવત્‌‍ રહ્યા હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.