અમદાવાદઃ અહીં સૌપ્રથમ વર્લ્ડ યોગાસન (Yogasan) ચૅમ્પિયનશિપમાં ભારતીય ઍથ્લીટોનું વર્ચસ્વ ત્રીજા દિવસે વધુ મજબૂત થયું હતું, કારણકે શુક્રવારે ભારતીયો પાંચ ગોલ્ડ મેડલ જીત્યા ત્યાર બાદ શનિવારે વધુ સુવર્ણ ચંદ્રકો પર કબજો કર્યો હતો.
ભારતીયોએ પાંચ દિવસની આ ઐતિહાસિક સ્પર્ધામાં જીતેલા કુલ ગોલ્ડ (Gold) મેડલનો આંકડો શનિવારે બાવીસ ઉપર પહોંચી ગયો હતો. પાંચ સિલ્વર તથા એક બ્રૉન્ઝ સહિત કુલ મળીને 28 મેડલ જીતનાર ભારત સામે બાકીના દેશો ખૂબ ઝાંખા પડ્યા હતા. ભારતની રિતુ મૉન્ડલ શુક્રવારે વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ જીતી ત્યાર પછી તેણે એક ટીમ ગોલ્ડ જીતવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ભારત મેડલ-વિજેતાઓમાં પ્રથમ છે અને ધાર્યા મુજબ ભારતીય ઍથ્લીટો દરેક કૅટેગરીમાં અને પ્રત્યેક ઇવેન્ટમાં એક કે વધુ મેડલ જીત્યા છે.
અહીં એકા અરીનામાં નેપાળ, જાપાન તથા અમેરિકાના ઍથ્લીટ એક-એક ગોલ્ડ જીત્યા હતા. જોકે આર્જેન્ટિના કુલ મેડલની યાદીમાં બીજા નંબરે છે. એનો ઍથ્લીટ નાબિલા સૉલ બરાઝાએ બે ગોલ્ડ અને એક સિલ્વર જીતીને તરખાટ મચાવી દીધો હતો. સિંગાપોર બે ગોલ્ડ તથા બે બ્રૉન્ઝ સાથે ત્રીજા નંબરે છે.