થાણે: ખોટા વાયદા કરીને થાણે જિલ્લામાં રહેતી શિક્ષિકા પાસેથી 20.44 લાખ રૂપિયા પડાવીને કથિત છેતરપિંડી કરનારા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર 33 વર્ષના આરોપીએ કલવામાં આવેલી પાલિકાની હૉસ્પિટલમાં રિસેપ્શનિસ્ટની નોકરી અપાવવાને બહાને 36 વર્ષની શિક્ષિકા પાસેથી સૌપ્રથમ પાંચ લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા લઈને આરોપીએ શિક્ષિકાને બનાવટી ઑફર લેટર આપ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીએ બાદમાં પોસ્ટ ઑફિસ સ્કીમ માટે ફ્રેન્ચાઈઝી લાઈસન્સની સગવડ કરવાની ખાતરી આપી 50 હજાર રૂપિયા લીધા હતા. એ સમયે પણ તેણે બોગસ દસ્તાવેજો શિક્ષિકાને આપ્યા હતા, એવું રાબોડી પોલીસે જણાવ્યું હતું.આરોપીએ શિક્ષિકા માટે ઘર બૂક કરાવી આપવાને બહાને 13 લાખ રૂપિયા લીધા હતા. એ રકમ પણ આરોપી ચાઉં કરી ગયો હતો. આ રીતે ઑક્ટોબર, 2022થી જૂન, 2024 દરમિયાન વિવિધ વાયદા કરી આરોપીએ 20 લાખથી વધુની રકમ પડાવી હતી.
આરોપી વારંવાર છેતરી રહ્યો હોવાથી શિક્ષિકાએ આખરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મહિલાની ફરિયાદને આધારે રાબોડી પોલીસે પાંચમી જૂને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)