Mon Jun 08 2026

Logo

જગત જમાદારની મોટી ચાલ: ભારત નજીકનો આ આખો ટાપુ ખરીદવા ખોલી તિજોરી, ડરી ગયું ચીન?

Washington DC   2026-06-08 16:52:51
Author: Devayat Khatana
Article Image

વોશિંગ્ટન/લંડન: અમેરિકાના રાષ્ટ્રપતિ જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ હવે હિંદ મહાસાગરમાં એક વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ દ્વીપસમૂહ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ સરકાર આ ટાપુ ખરીદવા માટે મોટી રકમ ચૂકવવા પણ તૈયાર છે. ભારત માટે ચિંતા અને રસનો વિષય એ છે કે આ ટાપુ ભારતની મુખ્ય ભૂમિથી માત્ર 1600 કિલોમીટરના અંતરે આવેલો છે. અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર હિંદ મહાસાગરમાં આવેલા 'ચાગોસ દ્વીપસમૂહ'ને મોરેશિયસ પાસેથી સીધો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે.

આ બાબત એવા સમયે સામે આવી છે જ્યારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર આ ટાપુની સાર્વભૌમત્વ મોરેશિયસને સોંપવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, હવે ટ્રમ્પ વહીવટીતંત્ર બ્રિટનને બાજુ પર રાખીને સીધું જ મોરેશિયસ સમક્ષ આ ટાપુ ખરીદવાનો પ્રસ્તાવ મૂકવાની યોજના ઘડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ચાગોસ દ્વીપસમૂહનો સૌથી મહત્વનો ભાગ 'ડિએગો ગાર્સિયા' છે, જ્યાં હાલમાં અમેરિકા અને બ્રિટનનું સંયુક્ત મિલિટરી બેઝ આવેલું છે. આ બેઝ હિંદ મહાસાગરની મધ્યમાં હોવાથી અમેરિકાને પશ્ચિમ એશિયા, આફ્રિકા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મોટી વ્યૂહાત્મક સરસાઈ આપે છે, જેને અમેરિકા કાયમ માટે પોતાના કબજામાં રાખવા માંગે છે.

ટ્રમ્પ આ ટાપુ એમ જ નથી ખરીદી રહ્યા, તેની પાછળ ચીન અને ઈરાનનો વધતો પ્રભાવ મુખ્ય કારણ છે. મોરેશિયસના ચીન અને ઈરાન સાથે સારા સંબંધો છે. અમેરિકી અધિકારીઓને ડર છે કે જો બ્રિટનની જગ્યાએ આ ટાપુઓ પર મોરેશિયસનું પૂર્ણ નિયંત્રણ આવી જશે, તો ચીન આ વિસ્તારમાં પોતાની સક્રિયતા વધારી શકે છે, જેનાથી અમેરિકી નૌસેનાની જાસૂસીનું જોખમ વધી જશે. આ ઉપરાંત, ઈરાન જેવા દેશો પર નજર રાખવા માટે પણ ડિએગો ગાર્સિયા અમેરિકા માટે અનિવાર્ય છે. આ લોકેશન એટલું વ્યૂહાત્મક છે કે અહીંથી અમેરિકાના બી-૨ સ્પિરિટ જેવા ઘાતક સ્ટીલ્થ બોમ્બર્સ સીધા ઈરાન પર હુમલો કરવા માટે ઉડાન ભરી શકે છે.

શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની આ ટાપુ મોરેશિયસને સોંપવાની યોજનાનું સમર્થન કર્યું હતું, પરંતુ તાજેતરમાં બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરના એક નિર્ણયથી તેઓ ભારે નારાજ થયા છે. ઈરાન સામે ચાલી રહેલા સંઘર્ષના શરૂઆતના દિવસોમાં બ્રિટને અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે ડિએગો ગાર્સિયા બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ટ્રમ્પે બ્રિટનના આ વલણને નબળાઈ ગણાવી હતી. હવે અમેરિકાની મંજૂરી વિના આ ડીલ લાગુ થઈ શકે તેમ ન હોવાથી, બ્રિટિશ સરકારે ટાપુ સોંપવાની પોતાની યોજનાને હાલ પૂરતી હોલ્ડ પર રાખવી પડી છે.

અહેવાલો અનુસાર, અમેરિકા આ ટાપુ ખરીદવા માટે એક ખાસ રણનીતિ પર કામ કરી રહ્યું છે. જે અંતર્ગત બ્રિટન પહેલા આ ટાપુ મોરેશિયસને સોંપશે અને ત્યારબાદ અંદાજે ૩૫ બિલિયન યુરો ચૂકવીને 99 વર્ષની લીઝ પર રાખશે. આ ડીલ ફાઈનલ થતાં જ અમેરિકા મોરેશિયસને કાઉન્ટર-ઓફર આપીને ટાપુ ખરીદી લેશે. જોકે, બીજી તરફ મોરેશિયસે આવા કોઈ પણ સોદાનો સદંતર ઇનકાર કર્યો છે. અહેવાલ મુજબ, મોરેશિયસ સરકારે નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તેમને અમેરિકા તરફથી ડિએગો ગાર્સિયા કે ચાગોસ અંગે આવો કોઈ સત્તાવાર પ્રસ્તાવ મળ્યો નથી અને તેઓ ચાગોસ પર પોતાની સાર્વભૌમત્વ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે.