Mon Jun 08 2026

Logo

મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: અઢી વર્ષમાં 524 'ગન લાઈસન્સ' રદ, માત્ર 87 નવા જારી કરાયા

2026-06-08 17:40:51
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈમાં હથિયારો પર અંકુશ મજબૂત કરવા માટે પોલીસે છેલ્લા અઢી વર્ષમાં એક મોટી ઝુંબેશ ચલાવીને 524 ગન લાઈસન્સ રદ કર્યા છે, જ્યારે તેની સામે માત્ર 87 નવા લાઈસન્સ જ મંજૂર કર્યા છે. હથિયારો પર અંકુશ મજબૂત કરવા અને કડક નિયમો સુનિશ્ચિત કરવાની એક મોટી ઝુંબેશ અંતર્ગત મુંબઈ પોલીસે હાલના પરમિટ ધારકોની વ્યાપક સમીક્ષા કર્યા બાદ છેલ્લા અઢી વર્ષમાં 524 ગન લાઇસન્સ રદ કર્યા છે અને માત્ર 87 નવા લાઇસન્સ જારી કર્યા છે.

31 માર્ચ સુધીમાં 27 લાઈસન્સ રદ

પોલીસના ડેટા અનુસાર ૨૦૨૪માં ૨૫૫ લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ૨૦૨૫માં ૨૪૨ પરમિટ રદ કરવામાં આવી હતી. આ વર્ષે ૩૧ માર્ચ સુધીમાં ૨૭ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. તેનાથી વિપરીત, નવા લાઇસન્સ આપવાની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી છે. મુંબઈ પોલીસે ૨૦૨૪માં ૧૭, ૨૦૨૫માં ૬૬ અને આ વર્ષે ૩૧ માર્ચ સુધીમાં ચાર નવા બંદૂક લાઇસન્સ જારી કર્યા હતા.

નવી પરમિટ માટે 122 અરજી મળી

૨૦૨૪માં પોલીસને નવા પરમિટ માટે ૧૨૨ અરજીઓ મળી હતી, જેમાંથી ફક્ત ૩૦ અરજીઓ મંજૂર થઈ હતી. ૨૦૨૫માં ૧૧૭ અરજીઓમાંથી સાત અરજીઓ મંજૂર થઈ હતી. આ વર્ષે ૩૧ માર્ચ સુધીમાં પોલીસને ૪૪ અરજીઓ મળી હતી, જેમાંથી ત્રણ અરજીઓ મંજૂર થઈ ગઈ છે.

એટલે પોલીસે કરી કડક સમીક્ષા

મુંબઈમાં અગાઉ આશરે ૧૧,૫૦૦ હથિયારના લાઇસન્સ અપાયા હતા, પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૪માં પૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાળકરની હત્યા અને ઓક્ટોબર ૨૦૨૪માં અભિનેતા ગોવિંદાની રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છૂટવાની ઘટનાઓ બાદ પોલીસે લાઇસન્સની કડક સમીક્ષા શરૂ કરી હતી. 

હથિયારનો દુરુપયોગના કિસ્સા વધુ

પોલીસે જણાવ્યું હતું કે લાઇસન્સ અનેક કારણોસર રદ કરવામાં આવ્યા હતા, જેમાં હથિયાર રાખવા પાછળ યોગ્ય કારણ ન હોવું, લાઇસન્સ રિન્યૂ ન કરાવવું, ગુનાહિત ઇતિહાસ અને હથિયારનો દુરુપયોગના કિસ્સાઓનો સમાવેશ થાય છે.
લોકો વગર કારણે લાઇસન્સ માટે અરજી કરી રહ્યા હોવાથી તપાસ પ્રક્રિયા કડક કરાઈ છે, જેથી હથિયારોનો બિનજરૂરી ફેલાવો અટકાવી શકાય અને તે માત્ર ખરેખર જરૂરિયાતવાળા લોકો પાસે જ રહે, અધિકારીએ ઉમેર્યુ હતું.