નવી દિલ્હી: દેશમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સોશિયલ મીડિયા કેમ્પેન અને જંતર મંતર પરના આંદોલનની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ સમયની વચ્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુએ 'ઇશ્ક કરો પાર્ટી' (IKP) નામની નવી ડિજિટલ પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. X પર માહિતી આપતાં તેમણે યુવાનોને આ પ્લેટફોર્મ સાથે જોડાવવા અપીલ કરી છે, જે માટે રસ ધરાવતા લોકો સત્તાવાર ઈમેલ આઈડી ishqkaroparty@gmail.com પર સંપર્ક કરી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, આ એક એવું પ્લેટફોર્મ હશે જે લોકોને યુદ્ધ કે નફરતને બદલે માત્ર પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
SCના પૂર્વ જજે સ્પષ્ટતા કરી છે કે આ નવી પાર્ટી કોઈ મજાક નથી કે તે માત્ર યુવક-યુવતીઓ વચ્ચેના પ્રેમ સંબંધોને પ્રોત્સાહન આપવા માટેની વેલેન્ટાઈન ડે જેવી કોઈ પહેલ નથી. પણ હકીકતમાં આ દેશની ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો એક સક્રિય અને ગંભીર પ્રયાસ છે. તેમણે ધ્યાન દોર્યું કે આજે ભારત ભારે ગરીબી, વ્યાપક બેરોજગારી, બાળકોમાં ભયાનક કુપોષણ, કથળતી આરોગ્ય સેવાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, મોંઘવારી અને જાતીય તથા સાંપ્રદાયિક તણાવ જેવી અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.
Markandey Katju
પૂર્વ જજના મતે જ્યાં સુધી લોકોમાં એકતા નહીં આવે ત્યાં સુધી આ મોટી સમસ્યાઓનો ઉકેલ શક્ય નથી. સ્વાર્થી રાજકારણીઓ સત્તા અને વોટબેંક માટે સમાજને ધર્મ, જાતિના નામે વહેંચી રહ્યા છે. 'ઇશ્ક કરો પાર્ટી'નો મુખ્ય ઉદ્દેશ્ય આ જ વિભાજનનો સામનો કરવાનો અને નાગરિકો વચ્ચે એકતા વધારવાનો છે. આધુનિક વિચારસરણી ધરાવતા નેતૃત્વ હેઠળ એક શક્તિશાળી જનસંઘર્ષ ઊભો કરીને દેશવાસીઓને તેમની મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવાનું આ નવી પાર્ટીનું મૂળ લક્ષ્ય છે.
પોતાની પોસ્ટમાં પૂર્વે જજે CJPના સ્થાપક અભિજીત દીપકે પર પણ નિશાન સાધ્યું છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ મામલે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા અભિજીત દ્વારા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને તેમણે મૂર્ખામીભરી ગણાવી છે, કારણ કે એક પ્રધાનના બદલાવાથી વ્યવસ્થામાં કોઈ ફરક પડતો નથી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના મુદ્દે મેદાનમાં આવેલી સીજેપીને ટક્કર આપવા બનેલી આ નવી 'ઇશ્ક કરો પાર્ટી'ને સોશિયલ મીડિયા પર સીજેપી જેટલું જ સમર્થન મળે છે કે પછી તે માત્ર એક નિષ્ફળ પ્રયાસ બનીને રહી જાય છે.