Mon Aug 24 2026

Logo

બસમાં પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકી પોલીસના સકંજામાં: 24 ગુના ઉકેલાયા

2026-06-08 18:51:00
Author: Yogesh D. Patel
બસમાં પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકી પોલીસના સકંજામાં: 24 ગુના ઉકેલાયા

બાવન લાખના દાગીના, પાંચ મોટરસાઇકલ, ઘાતક શસ્ત્રો જપ્ત

થાણે: બસમાં પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકીના ચાર સભ્યને થાણે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ચોરીના 24 ગુના ઉકેલી કાઢ્યા હતા. આરોપીઓમાં બે મહિલાનો સમાવેશ હોઇ તેમણે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પુણેમાં ગુના આચર્યા હતા. આરોપી પાસેથી બાવન લાખ રૂપિયાના દાગીના, પાંચ મોટરસાઇકલ અને ઘાતક શસ્ત્રો જપ્ત કરાયાં હતાં.

થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ની ટીમે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મુંબ્રાના સઉદ સિરાજ ખાન ઉર્ફે સઉદ કાલ્યા (25), કલવાના સ્વપ્નીલ હરિશ માધવાની ઉર્ફે બાબુ ખરખટ્યા (20), મુલુંડ પશ્ર્ચિમની સંગીતા દશરથ પીઠકર (45) અને સુરેખા બજરંગ ગાયકવાડ (47) તરીકે થઇ હતી. આરોપી સઉદ ખાનને એમપીડીએ (મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવિટીસ ઓફ સ્લમલોર્ડસ, બૂટલેગર્સ, ડ્રગ-ઓફેન્ડર્સ, ડેન્જરસ પર્સન્સ એન્ડ વીડિયો પાઇરેટ્સ એક્ટ) હેઠળ તડીપાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ગુના આચરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપી વિરુદ્ધ કોર્ટે પ્રોક્લેમેશન ઓર્ડર પણ કાઢ્યો હતો.

થાણેમાં બંધ ઘરોમાં ચોરી તથા બસમાં પ્રવાસ દરમિયાન પ્રવાસીઓની કીમતી વસ્તુઓની ચોરીની અનેક ફરિયાદ મળ્યા બાદ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચે કમર કસી હતી. પોલીસ ટીમે અનેક સ્થળોના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી પકડાતાં ચોરીના 24 ગુના ઉકેલાઇ ગયા હતા. પોલીસ હવે આરોપીઓના ફરાર સાથીદારોની શોધ ચલાવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.