મુંબઈ: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ખાદ્ય સુરક્ષાના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ મુંબઈમાં ત્રણ ખાણીપીણીનાં એકમોનાં લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યાં છે. આ એકમોમાં પરેલ સ્થિત ડોમિનોઝ પિઝા આઉટલેટનો પણ સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોના સંગ્રહ, રસોઈની વ્યવસ્થા અને જરૂરી દસ્તાવેજો જાળવવામાં ગંભીર ખામીઓ જાણવા મળી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એફડીએના નિવેદન અનુસાર પરેલમાં ડોમિનોઝ પિઝા ચલાવતી જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ લિમિટેડ, ભાંડુપ પશ્ચિમમાં આવેલી માઝ ફૂડ પાર્સલ એન્ડ કેટરિંગ અને કુર્લા પશ્ચિમમાં આવેલી મુગલ ઢાબા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતાં ત્રણેય એકમોનાં લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
ડોમિનોઝના પરેલ સ્થિત આઉટલેટમાં અગાઉ ઑગસ્ટ મહિનામાં એફડીએ એ સુધારણા માટે નોટિસ આપી હતી. જોકે, ફરી તપાસ દરમિયાન અગાઉ દર્શાવવામાં આવેલી ખામીઓ દૂર કરવામાં આવી ન હોવાનું જણાયું હતું. આ ઉપરાંત, ખાદ્ય પદાર્થોના સીધા સંપર્કમાં આવતા પેકેજિંગ મટિરિયલની સલામતી અને નિયમોનું પાલન દર્શાવતા જરૂરી અહેવાલો રજૂ કરવામાં આવ્યા નહોતા. સાધનોની જાળવણીના લૉગ પણ જાળવવામાં આવ્યા નહોતા.
નવમી ઑક્ટોબરે કરેલી પુનઃતપાસમાં વધુ ગંભીર ખામીઓ સામે આવી હતી. એફડીએના જણાવ્યા અનુસાર, શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થો એક જ ડીપ ફ્રીઝરમાં સાથે રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ચિકન અને પનીર એક જ ઓવન અથવા ગ્રિલ પર રાંધવામાં આવતાં હતાં. ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને રસોઈની વ્યવસ્થામાં આવી બેદરકારીને કારણે ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા.
બીજી તરફ, છત્રપતિ સંભાજીનગરમાં એફડીએ એ ભેળસેળયુક્ત અને ખોટા લેબલવાળા હોવાની શંકા ધરાવતા 12,382 કિલોગ્રામ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ તેલની કિંમત અંદાજે 23.35 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે.
આ કાર્યવાહી તેલના રિપેકિંગ એકમ બજરંગ ટ્રેડિંગ કંપની ખાતે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એકમને કુલ 206માંથી માત્ર 10 ગુણ મળ્યા હતા. અહીં અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ, જીવાત નિયંત્રણની અપૂરતી વ્યવસ્થા અને ફરજિયાત ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. આ ખામીઓને પગલે એકમનું લાઇસન્સ સ્થળ પર જ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.