Mon Jun 08 2026

Logo

રેલવે ટિકિટ પર જોવા મળતાં નાના છિદ્રો પાછળનું રહસ્ય શું હતું? 90 ટકા લોકો આજે પણ નથી જાણતા આ પાછળનું કારણ...

2026-06-08 18:33:26
Author: Darshana Visaria
Article Image

જો તમે પણ ડિજિટલ ટિકિટ, ક્યૂઆર કોડ અને મોબાઈલ એપ્સના આ યુગ પહેલાં ટ્રેનમાં મુસાફરી કરી હશે, તો તમને રેલવેની એ જૂની ટિકિટો ચોક્કસ યાદ હશે. લાંબી આછી ગુલાબી કે લીલાશ પડતા કલરના કાગળ પર છપાયેલી ટ્રેનની વિગતો, સ્ટેશનનું નામ, મુસાફરીની તારીખ અને ભાડું... પણ આ બધી વિગતોમાં સૌથી ખાસ વાત જે આપણું ધ્યાન ખેંચે છે એ એટલે ટિકિટની બંને બાજુ સાઇડમાં આવેલા નાના-નાના છિદ્ર. શું તમને ખબર છે કે ટિકિટની બંને બાજુ આ છિદ્રો કેમ જોવા મળે છે? ચાલો તમને આજે આ વિશે જણાવીએ... 

આપણામાંથી મોટાભાગના લોકો એવું જ લાગે છે કે રેલવે ટિકિટ પર બંને બાજુ જોવા મળતાં આ છિદ્રો ટિકિટને સજાવવા માટે અથવા કોઈ ખાસ પ્રકારની ડિઝાઇન માટે બનાવવામાં આવ્યા હશે. પરંતુ, અસલમાં તેની પાછળ એક ખૂબ જ અદભુત અને સમજદારીભરી ટેકનિક કામ કરતી હતી, જેના વિશે આજે આપણે અહીં આ સ્ટોરીમાં વાત કરીશું. 

હકીકતમાં જોઈએ તો, ભારતીય રેલવેમાં રોજની લાખો ટિકિટો છપાય છે. આજે તો કમ્પ્યુટર અને હાઇ-સ્પીડ લેઝર પ્રિન્ટરના કારણે સેકન્ડોમાં પ્રિન્ટિંગ થઈ જાય છે, પરંતુ એ જમાનામાં પ્રિન્ટિંગનું કામ આટલું સરળ નહોતું. કમ્પ્યુટર ટેકનોલોજી આટલી એડવાન્સ નહોતી, જેને કારણે ટિકિટો છાપવા માટે ખાસ પ્રકારના મિકેનિકલ મશીનોનો ઉપયોગ થતો હતો. આ જ મશીનોના સચોટ સંચાલન માટે ટિકિટ પર આ નાના નાના છિદ્રો હોવા ખૂબ જ જરૂરી હતા.

ટિકિટની બંને સાઇડમાં જોવા મળતાં આ નાના-નાના છિદ્રોને ટેકનિકલ ભાષામાં 'સ્પ્રોકેટ હોલ' તરીકે ઓળખવામાં આવે છે. ટિકિટ પર જોવા મળતાં આ ખાસ છિદ્રો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર (Dot Matrix Printer) માટે બનાવવામાં આવતા હતા, જેનો ઉપયોગ ઈન્ડિયન રેલવેમાં કેટલાય દાયકાઓ સુધી થયો હતો.

એ સમયે ટિકિટો અત્યારની જેમ અલગ-અલગ પાના પર નહીં, પરંતુ એક બહુ લાંબી અને સતત ચાલતી પેપર રોલ શીટ પર છપાતી હતી. આ પેપર રોલની બંને બાજુ પર એકસરખા અંતરે કાણા પાડેલા હોતા હતા, જેથી પ્રિન્ટર તેને મજબૂતીથી પકડીને એકધારી ગતિએ આગળ ધકેલી શકે.

જૂના ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર સંપૂર્ણપણે મિકેનિકલ સિસ્ટમ પર કામ કરતા હતા. પ્રિન્ટરની અંદર નાના-નાના દાંતાવાળા પૈડા લગાવવામાં આવ્યા હતા. આ દાંતા કાગળના સાઇડમાં આવેલા કાણામાં બરાબર ફિટ થઈ જતા અને ચક્ર ફરે એમ કાગળ સીધો આગળ વધતો હતો. જો આ નાના કાણા ન હોત, તો પ્રિન્ટિંગ દરમિયાન કાગળ વારંવાર સરકી જતો અથવા વાંકોચૂંકો થઈ જતો હતો. 

પરિણામે, ટિકિટ પર છપાતી વિગતો જેમ કે- ટ્રેન નંબર, તારીખ, સમય કે ભાડું ખોટી જગ્યાએ અથવા એકબીજા પર છપાઈ જાત. રેલવે ટિકિટમાં આવી નાની ભૂલ પણ મુસાફરો અને ટીટીઈ બંને માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકતી હતી. પરંતુ સ્પ્રોકેટ હોલના કારણે લાખો ટિકિટો છપાયા પછી પણ પ્રિન્ટિંગ હંમેશા 100 ટકા સચોટ અને ભરોસાપાત્ર રહેતું હતું.

સમય બદલાયો અને તેની સાથે રેલવેની ટિકિટિંગ ટેકનોલોજી પણ અપગ્રેડ થઈ અને ધીમે-ધીમે અવાજ કરતા જૂના ડોટ-મેટ્રિક્સ પ્રિન્ટર્સની જગ્યા આધુનિક થર્મલ અને ડિજિટલ લેઝર પ્રિન્ટર્સે લઈ લીધી. નવા પ્રિન્ટરોમાં કાગળને આગળ વધારવા માટે આવી દાંતાવાળી સ્પ્રોકેટ સિસ્ટમની જરૂર પડતી નથી, તે રોલરના દબાણથી કાગળ ખેંચે છે. પરિણામે, ટિકિટોની સાઇડમાંથી એ નાના-નાના કાણા કાયમ માટે ગાયબ થઈ ગયા.

આજે ભલે ઈ-ટિકિટ અને કન્ફર્મેશન એસએમએસનો જમાનો આવી ગયો હોય, પણ આ જૂની રેલવે ટિકિટો આજે પણ કેટલાય લોકોના ઘરમાં જૂની યાદગીરી રૂપે સચવાયેલી પડી હશે. આ ટિકિટોના કાણા માત્ર ડિઝાઇન નહોતા, પણ એ આપણી ભારતીય રેલવેના ભવ્ય ઇતિહાસ અને એન્જિનિયરિંગની અદભુત સમજદારીનું પ્રતીક હતા.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.