આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન પર કોઈ જરૂરી માહિતી, મેસેજ કે તસવીર જોતાં જ તરત તેનો સ્ક્રીનશોટ લેવાની આપણને આદત પડી ગઈ છે. આપણને લાગે છે કે સ્ક્રીનશોટ લેવાથી એ માહિતી સુરક્ષિત રહેશે અને યાદ પણ રહેશે. પરંતુ એક નવા વૈજ્ઞાનિક સંશોધનમાં આ અંગે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસર્ચ અનુસાર, વારંવાર સ્ક્રીનશોટ કે ફોટો લેવાની આ ડિજિટલ આદત વાસ્તવમાં માણસની યાદશક્તિને નબળી બનાવી રહી છે.
અમેરિકાની બિંઘમટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ક્રીનશોટ લેવાથી મગજ માહિતીને સ્ટોર કરવાનું બંધ કરી દે છે. વૈજ્ઞાનિકોએ આ સ્થિતિને 'ફોટો-ટેકિંગ ઈમ્પેયરમેન્ટ ઈફેક્ટ' નામ આપ્યું છે.
કેવી રીતે કરવામાં આવ્યું રિસર્ચ?
વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓના એક જૂથ પર આ પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ હેઠળ વિદ્યાર્થીઓને કેટલીક પેઇન્ટિંગ્સ અને સ્કેચ દર્શાવવામાં આવ્યા. તેમાંથી કેટલીક કલાકૃતિઓનો સ્ક્રીનશોટ લેવા કહેવાયું, જ્યારે કેટલીકને માત્ર ધ્યાનથી જોવા જણાવાયું હતું, બાદમાં તમામ વિદ્યાર્થીઓને તે કલાકૃતિઓ વિશે ઝીણવટભર્યા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ રિસર્ચનું જે પરિણામ સામે આવ્યું હતું તે ખૂબ ચોંકાવનારું હતું. જે ફોટોનો સ્ક્રીનશોટ લેવાયો હતો, તેના વિશે વિદ્યાર્થીઓને ઘણું ઓછું યાદ હતું. તેની સામે જે ફોટોને માત્ર આંખોથી ધ્યાનપૂર્વક જોઈ હતી, તેની નાની-નાની વિગતો પણ વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી સચોટ રીતે યાદ રહી હતી. આશ્ચર્યજનક બાબત એ હતી કે વિદ્યાર્થીઓ એ પણ ભૂલી ગયા હતા કે તેમણે કઈ કલાકૃતિનો સ્ક્રીનશોટ લીધો હતો.
સ્ક્રીનશોટ લેવાથી મગજ કેમ ભૂલી જાય છે?
કોગ્નિટિવ ઓફલોડિંગ: જ્યારે આપણે કોઈ માહિતીનો સ્ક્રીનશોટ લઈએ છીએ, ત્યારે આપણા મગજને એવો અહેસાસ થઈ જાય છે કે આ વિગત ફોનમાં સેવ છે. આથી મગજ તે માહિતીને યાદ રાખવાની મહેનત કે પ્રયાસ કરવાનું જ બંધ કરી દે છે.
ધ્યાનનું ભટકવું: સ્ક્રીનશોટ લેતી વખતે આપણું ધ્યાન સ્ક્રીન એડજસ્ટ કરવા અને બટન દબાવવામાં જતું રહે છે, જેના કારણે મગજ તે માહિતીનું ઊંડાણપૂર્વક પ્રોસેસિંગ કરી શકતું નથી.
સ્ક્રીનશોટને બદલે ડાયરીમાં લખવાની ટેવ પાડો:
સંશોધકોના મતે, જો કોઈ મહત્વપૂર્ણ માહિતીને લાંબા સમય સુધી યાદ રાખવી હોય તો માત્ર સ્ક્રીનશોટ લેવાને બદલે તેને ડાયરી કે કાગળ પર પેનથી લખવી જોઈએ. જ્યારે આપણે લખીએ છીએ ત્યારે મગજ માહિતીને પ્રોસેસ કરે છે, જેનાથી મેમરી મજબૂત બને છે.