Mon Apr 20 2026

Logo

મહારાષ્ટ્રમાં ગરમીનો કહેર: પુણેમાં તાપમાન 41.9°Cને પાર, હવામાન વિભાગ દ્વારા વરસાદનું 'યલો એલર્ટ'

2026-04-20 18:11:02
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મુંબઈથી લઈને પુણે, નાગપુરથી નાશિક સુધી મહારાષ્ટ્રમાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મોટા ભાગના સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર પુણેનો લોહેગાંવ વિસ્તાર સૌથી ગરમ રહ્યો હતો, જ્યાં મહત્તમ તાપમાન 41.9°C નોંધાયું હતું. 

કોરેગાંવ પાર્કમાં 41.8°C અને શિવાજીનગરમાં 40.7°C તાપમાન નોંધાયું હતું. ચિંચવડમાં પણ તાપમાન 40°C સુધી પહોંચ્યું હતું. IMDની આગાહી મુજબ સોમવારે પુણેમાં આકાશ વાદળછાયું રહેશે. વીજળીના કડાકા અને હળવા વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. મગરપટ્ટા (39.9°C) અને લવાલે (39.5°C) જેવા અન્ય વિસ્તારોમાં તાપમાન 40-ડિગ્રીથી થોડું ઓછું નોંધાયું હતું પરંતુ ત્યાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો.

નાશિકનું લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતું. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે કમોસમી વરસાદ અને વાવાઝોડા માટે 'યલો એલર્ટ' જારી કર્યો છે. 48 કલાક પહેલા લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ હતું તેમાં 6.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો. 

IMDના ડેટા અનુસાર મોસમી તાપમાન સામાન્ય કરતા 3.2 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.  નાશિકનું મહત્તમ તાપમાન 39.4° સેલ્સિયસ નોંધાયું હતું. ગયા અઠવાડિયાના હવામાનના આંકડા દર્શાવે છે કે જિલ્લામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.  

ઉત્તર મહારાષ્ટ્રમાં જળગાંવ સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં મહત્તમ તાપમાન 41.6°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.7 ડિગ્રી વધારે હતું. લઘુત્તમ તાપમાન 25°C હતું, જે સરેરાશ કરતાં 0.9 ડિગ્રી વધારે હતું.

વધતી ગરમી વચ્ચે IMDએ આવતીકાલે 21 એપ્રિલના વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની ચેતવણી આપી છે. નાશિક, અહિલ્યાનગર, નંદુરબાર, ધુળે અને જલગાંવ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ અને વાદળછાયું આકાશ રહેવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગે 21 અને 22 એપ્રિલના મુંબઈ અને થાણેમાં હળવો વરસાદ/ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જ્યારે રાયગઢના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા, હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી છે. જોકે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હજુ ઉનાળો હોવાથી ગરમીથી નોંધપાત્ર રાહત મળવાની શક્યતા ઓછી છે. જ્યાં વરસાદ પડે છે ત્યાં તાપમાનમાં અસ્થાયી ઘટાડો થઈ શકે છે, પરંતુ આ ઘટાડો લાંબા સમય સુધી રહેશે નહીં.