Tue Sep 15 2026

Logo

મલાડ રેલવે સ્ટેશનનો ₹35 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ, પણ હાલ એસ્કેલેટર-લિફ્ટ બંધ રહેતાં મુસાફરો હેરાન

2026-09-03 19:13:04
Author: Mumbai Samachar Team
મલાડ રેલવે સ્ટેશનનો ₹35 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ, પણ હાલ એસ્કેલેટર-લિફ્ટ બંધ રહેતાં મુસાફરો હેરાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પશ્ચિમ રેલવેમાં મલાડ રેલવે સ્ટેશનને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે મોટા પાયે પુનર્વિકાસની કામગીરી ચાલી રહી છે. એક તરફ અમૃત ભારત સ્ટેશન યોજના અને પશ્ચિમ રેલવેની છઠ્ઠી લાઇન સહિતના વિવિધ પ્રોજેક્ટથી સ્ટેશનના માળખાકીય વિકાસને ગતિ મળી છે, તો બીજી તરફ હાલની કામગીરી દરમિયાન લિફ્ટ અને એસ્કેલેટર વારંવાર બંધ રહેતાં ખાસ કરીને મલાડ પૂર્વ તરફથી આવનારા મુસાફરો, વરિષ્ઠ નાગરિકો તથા બીમાર અને દિવ્યાંગ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મલાડ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે અંદાજે 10 એકર જમીન પર જી+1 માળનું સ્ટેશન કોમ્પ્લેક્સ, રિટેલ અને રેસ્ટોરાં, જાહેર સુવિધાઓ, મલ્ટી-લેવલ કાર પાર્કિંગ (MLCP), પબ્લિક પ્લાઝા તથા અન્ય વિસ્તાર વિકાસની યોજના છે. આ પ્રોજેક્ટનું બજેટ  ₹35 કરોડથી વધુ હોવાની માહિતીઅને હાલમાં કામગીરી S/P તબક્કામાં છે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મલાડ સહિત પશ્ચિમ રેલવેના અનેક સ્ટેશનો પર મુસાફરો માટે આધુનિક સુવિધાઓ, સુધારાયેલ સ્ટેશન, રૂફ પ્લાઝા અને વધુ સારી ઈન્ટરમોડલ કનેક્ટિવિટી ઊભી કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. સાથે જ ગોરેગાંવ-કાંદિવલી વચ્ચે નવી 1.4 કિમી લોકલ લાઇન અને પ્લેટફોર્મમાં થયેલા ફેરફારથી ટ્રેન સંચાલનની ક્ષમતામાં પણ સુધારો થયો છે. ઉપરાંત, રેલવેની જમીન પરના અતિક્રમણ દૂર કરવા માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પણ મોટી સંખ્યામાં બાંધકામો હટાવવામાં આવ્યા છે, જેથી મુસાફરોની સલામતી અને ભવિષ્યની માળખાકીય કામગીરી માટે જગ્યા ઉપલબ્ધ થઈ શકે.

જોકે, વિકાસકાર્યની વચ્ચે હાલની મુસાફરી વ્યવસ્થાને લઈને મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોના જણાવ્યા મુજબ મલાડ પૂર્વ તરફ જવા-આવવા માટે ઉપયોગી લિફ્ટ અને એસ્કેલેટર જાળવણીના નામે વારંવાર બંધ રહે છે. બંને સુવિધાઓ એકસાથે બંધ હોય ત્યારે સીડીઓનો ઉપયોગ કરવો વરિષ્ઠ નાગરિકો, બીમાર વ્યક્તિઓ અને શારીરિક રીતે અશક્ત મુસાફરો માટે મુશ્કેલ બની જાય છે.

આ પ્રકરણે જયારે મુંબઈ સમાચારના પ્રતિનિધિએ મલાડના સ્ટેશન માસ્ટર શંભુ દયાલનો આ મુદ્દે સંપર્ક સાધ્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈ પણ જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો અને આમા સુધારો કરવાની કોઈપણ જવાબદારી લેવાની પણ વાત સ્વીકારી નહોતી. 

આ પ્રકરણે એક પ્રવાસી દેવા ઝાલાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું કે હું સિનિયર સિટીઝન છું અને મોટા ભાગે અહી એસ્કેલેટર બંધ હોવાથી અમારા જેવા અનેક નાગરિકોને હાલાકી વેઠવી પડી રહી છે, આજે તો લિફ્ટ પણ બંધ હોવાથી ચઢવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અન્ય મુસાફરોનું કહેવું છે કે લાંબા સમય સુધી લિફ્ટ અને એસ્કેલેટર ઉપલબ્ધ  હોવા છતાં પણ તે બંધ હોવાના કારણે તેમને  હાલાકી વેઠવી પડે છે. મુસાફરો દ્વારા સ્ટેશનની કામગીરી અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી સ્પષ્ટ માહિતી અને વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.

આ બાબતમાં રેલવે અધિકારીઓનો સંપર્ક કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે એસ્કેલેટર હાલમાં જાળવણી હેઠળ હોવાથી તેને બંધ રાખવામાં આવે છે. સાથે જ મલાડ સ્ટેશનના પુનર્વિકાસનું કામ પણ પ્રક્રિયામાં હોવાથી કેટલીક હાલાકી ઊભી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર કામગીરી પૂર્ણ થયા બાદ મુસાફરોને સ્ટેશન પર વધુ આધુનિક અને ‘વર્લ્ડ ક્લાસ’ સુવિધાઓનો અનુભવ મળશે અને હાલની સમસ્યાઓના ઉકેલ માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. તેના સિવાય મલાડ સ્ટેશને મોટા ઓવલ શેપ ડોમનું કામ શરુ છે, જે પૂર્ણ થયા બાદ પ્રવાસીઓને આ હાલાકીથી શક્ય તેટલી ઝડપથી છૂટકારો આપશે તેવી બાંયધરી પણ આપી હતી. 

વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી બની

મલાડ સ્ટેશનના વિકાસથી ભવિષ્યમાં મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળવાની અપેક્ષા છે, પરંતુ વિકાસકાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી લિફ્ટ અને એસ્કેલેટર જેવી આવશ્યક સુવિધાઓ શક્ય તેટલી નિયમિત રીતે કાર્યરત રાખવી અને જાળવણી દરમિયાન યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી બની છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને જરૂરિયાતમંદ મુસાફરો માટે વિકાસ સાથે હાલની સુવિધાઓની ઉપલબ્ધતા જાળવવાનો પડકાર રેલવે માટે મહત્વનો રહેશે.