મુંબઈ: થાણે ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ બે અલગ ઑપરેશન હાથ ધરી અંદાજે 5.66 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ (એમડી) જપ્ત કર્યું હતું. આ કામગીરી દરમિયાન ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ મોઝીમ અબ્દુલ્લા શેખ (41), તબરેઝ અબ્દુલ્લા શેખ (51), અબ્દુલ રહેમાન મોઈદ્દીન કાદર શેખ (33) અને આફ્રિદી મોહમ્મદ વલી શેખ (27) તરીકે થઈ હતી. એક કેસમાં મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે ઘોડબંદર રોડ પર ગાયમુખ બસ સ્ટોપ નજીક છટકું ગોઠવ્યું હતું. સ્કૂટર પર આવેલા બે શકમંદ મોઝીમ અને તબરેઝને તાબામાં લેવાયા હતા. સ્કૂટરની ડિકીની તપાસ કરતાં એમડી મળી આવ્યું હતું, જેની કિંમત 3.34 કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ મામલે કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
બીજા ઑપરેશનમાં ટીમે થાણેના કોપરી પરિસરમાં બીએસએનએસ ઑફિસ નજીકથી શકમંદ અબ્દુલ રહેમાનને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 2.30 કરોડ રૂપિયાનું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ તેણે નવી મુંબઈના સીવૂડ ખાતે રહેતા આફ્રિદી પાસેથી પ્રાપ્ત કર્યું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. માહિતીને આધારે પોલીસે નવી મુંબઈથી આફ્રિદીને કસ્ટડીમાં લીધો હતો. આ પ્રકરણે કોપરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.