વલો કચ્છ - ગિરિરાજ
કચ્છ એટલે પાણી માટે તરસતો પણ પોતાના ખમીર અને સંસ્કારોથી સદાય ‘પાણીદાર’ રહેલો મલક. અહીં એક કહેવત બહુ પ્રચલિત છે: ‘આફત તો આવે વણનોતરી, પણ નોતર્યો ન આવે વરસાદ...’ આવા કઠિન ભૌગોલિક વાતાવરણમાં પાણીને જીવની જેમ સાચવવાની કળા કચ્છી માડુને શીખવવી પડતી નથી. જળ સ્રોતોની જાળવણીની આવી જ એક અદ્ભુત અને ઉમદા પરંપરા ભુજ તાલુકાના ઐતિહાસિક હબાય ગામે સદીઓથી ધબકી રહી છે.
હબાય ગામના પવિત્ર વાઘેશ્વરી ધામમાં એક ચમત્કારી અને અખૂટ પાણીનો કુંડ આવેલો છે. આ કુંડની સફાઈ દર વર્ષે હિન્દુ કૅલેન્ડર મુજબ ભીમ અગિયારસના પવિત્ર દિવસે કરવામાં આવે છે. આ પરંપરા આજકાલની નથી, પરંતુ વિક્રમ સંવત 1330માં મંદિરના તત્કાલીન પીર ગાદી મહંત પરમાનંદગીરીજી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવી હતી. એટલે કે છેલ્લાં 650થી વધુ વર્ષોથી આ અનોખી પરંપરા અવિરત ચાલી આવે છે.
આ વર્ષે પણ ગત માસે ભીમ અગિયારસના દિવસે હબાય અને આજુબાજુના ગામના લોકો ભેગા મળીને આ કુંડને આખો સાફ કર્યો. એ દિવસે આખું ગામ ’પાંખી’ (કામધંધા બંધ) પાળે અને શ્રમદાનમાં જોડાય. કુંડની સફાઈ પૂર્ણ થયા બાદ, કુંડમાંથી નીકળેલી પવિત્ર માટીનો પ્રસાદ વહેંચાય છે. ત્યાર બાદ વર્તમાન મહંતશ્રી કુંડની અંદર ઊતરીને છેક માતાજીનાં ચરણો સુધી જઈ ધૂપ-દીપ અને મહાઆરતી કરે છે. આ પૂજન પૂરુંં થતાં જ, કુંડમાં એકાએક કુદરતી રીતે નવા લીલા નીરની આવક શરૂ થઈ જાય છે, જે શ્રદ્ધાળુઓ માટે પરમ આશ્ર્ચર્ય અને શ્રદ્ધાનો વિષય છે.
માહિતી મળી તે મુજબ કુંડની અંદર ત્રિશૂળ આકારે ત્રણ નહેરો આવેલી છે. પૂર્વ બાજુની નહેર: જે ધંગ ગામે આવેલી ખીરસરી વાવ સુધી પાણી પહોંચાડે છે. ઉત્તર બાજુની નહેર: જે મંદિર તરફ જાય છે. ભૂતકાળમાં વડીલો આ નહેરમાં અંદર જતા, પણ પાણીના ભારે પ્રવાહને કારણે પાછા ફરવું પડતું. એવું મનાય છે કે અંદર એક વિશાળ પટાંગણ છે. વાયવ્ય તરફની નહેર.
એક લોકકથા મુજબ, કચ્છના કબીર ગણાતા પૂજ્ય મેકરણદાદાએ પાણી માટે માતાજીને અરજ કરી હતી. માતાજીએ તેમની પુકાર સાંભળી આકાશવાણી કરી અને પાણી ધ્રંગની ખીરસરી વાવમાં પહોંચાડ્યું. તેનું પ્રમાણ એ મળ્યું કે હબાયના કુંડમાં પડેલી એક ’ત્રાંબડી’ (તાંબાનું પાત્ર) પાણીના પ્રવાહ સાથે વહીને સીધી ધ્રંગ ગામે નીકળી હતી. આ ઘટનાને યાદ કરતી એક સુંદર પંક્તિ આજે પણ ગવાય છે:
નાદ ઘંટારવ તણો ગગને ગયો’તો કાપડી,
ત્રાંબડી તું ધ્રંગ ધામે તારતી વાઘેશ્વરી.
આ જ પરંપરાના કારણે આજે પણ ધ્રંગ ગાદી પર બિરાજતા નવા ગાદીપતિ સૌથી પહેલાં હબાય માનાં દર્શને આવે છે અને અહીં ગૌદાન તથા અન્નદાન કર્યા પછી જ ગાદી સંભાળે છે. હબાય જાગીરના મહંત પૂજ્ય લક્ષ્મણગીરીજી બાપુના જણાવ્યા મુજબ, આ સ્થાનકની વાતો માત્ર જાણવા જેવી નથી, પરંતુ અનુભવવા જેવી છે. માતાજીના નિજ મંદિરમાં ચાર દિવ્ય મૂર્તિઓ બિરાજમાન છે, જેમાં વાઘેશ્ર્વરી માતાજી અને મા આશાપુરા. આ બંને મૂર્તિઓ પૌરાણિક અને સ્વયંભૂ છે. માં મોમાઈની મૂર્તિ સ્થાપના સંવત 1976માં થઈ હતી. મા ચામુંડાની મૂર્તિની સ્થાપના ઈ.સ. 2004માં કરવામાં આવી હતી. આ ઉપરાંત પણ ગામના પાદરે હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ છે.
આ ભૂમિ સિદ્ધ યોગીઓની તપોભૂમિ રહી છે. સંવત 1632માં મહંત શ્રી પૂજ્ય શીતલગીરી બાપુએ અને ત્યાર બાદ સંવત 1640માં તેમના શિષ્ય પૂજ્ય પૃથ્વીગીરી બાપુએ અહીં જીવંત સમાધિ લીધી હતી. વર્તમાન મહંત પૂજ્ય લક્ષ્મણગીરીજી બાપુ આ સંસારી મહંત પરંપરાની પાંચમી પેઢી છે.
આજની આધુનિક સદગુણ સંપન્ન ગ્રામ પંચાયત દ્વારા હબાયમાં ’હર ઘર નળ યોજના’ અમલી હોવા છતાં, ગામની અઢારેય આલમ (તમામ જ્ઞાતિઓ) કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ વગર આજે પણ માથે બેડું લઈને આ પવિત્ર કુંડમાંથી પીવાનું પાણી ભરે છે.
પનિહારીઓની આ પરંપરા સંસ્કૃતિના દર્શન કરાવે છે.
હબાય મંદિરથી 2 કિમી દૂર પૂર્વમાં હરીગરબાપુનો ઝરો આવેલો છે, જે કુદરતની અદ્ભુત વ્યવસ્થા છે. ઉનાળાનો ચૈત્ર માસ શરૂ થતાં જ આ ઝરો કુદરતી પાણીથી ભરાઈ જાય છે જેથી વન્યજીવો તરસ છીપાવી શકે, પરંતુ જેવો જેઠ કે અષાઢમાં પહેલો વરસાદ પડે કે આ ઝરો એકાએક સુકાઈ જાય છે અને આખું ચોમાસું તથા શિયાળો ખાલી રહે છે! ચોમાસામાં હાબા ડુંગરની ટેકરી માઉન્ટ આબુને પણ ઝાંખી પાડે તેવી લીલોતરીથી ખીલી ઊઠે છે, જ્યાં રામદેવજી મહારાજ બિરાજમાન છે. આથમણી દિશામાં આવેલી હલામણ જેઠવાની ખાંભી અહીંના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.
હબાય જાગીર મધ્યે ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્ર અવિરત ચાલુ છે, તેમજ ’શ્રી વાઘેશ્વરી ગૌ-સેવા ચૅરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા 200થી વધુ ગૌધનનું સુંદર સંચાલન થાય છે. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનક આજે પણ શાંતિ, શ્રદ્ધા અને જળ સંરક્ષણનું એક મહાન પ્રતીક બનીને અડીખમ ઊભું છે.