Tue Jan 27 2026

Logo

White Logo

અમદાવાદમાં પ્રદૂષણનો કહેર: શ્વાસની બીમારીઓમાં 35% નો વધારો, દવાઓનું વેચાણ ₹76 કરોડે પહોંચ્યું...

6 days ago
Author: Devayat Khatana
Video

AI


અમદાવાદ:  શિયાળાની ઋતુની સાથે ગુજરાતના મેટ્રો સિટીમાં વાયુ પ્રદૂષણ તેમજ બદલાઈ જતાં હવામાનને કારણે  શ્વસનતંત્રને લગતી બીમારીઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે શિયાળામાં ઉધરસ કે શરદીના કેસો જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે પ્રદૂષણને કારણે આ બીમારીઓ વધુ ગંભીર અને લાંબી ચાલે તેવી બની રહી છે. તબીબી નિષ્ણાતોના મતે, હવામાં રહેલા ઝેરી તત્વો અને બાંધકામની ધૂળને કારણે ફેફસાના રોગોના દર્દીઓમાં ૩૦ થી ૩૫ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

શ્વસન સંબંધી દવાઓનું વેચાણ ૭૬ કરોડ રૂપિયા
અહેવાલો અનુસાર, આ વધતી જતી બીમારીઓની સીધી અસર દવાઓના વેચાણ પર જોવા મળી રહી છે. ગુજરાતમાં શ્વસન સંબંધી દવાઓનું વેચાણ ડિસેમ્બર ૨૦૨૪માં ૬૯ કરોડ રૂપિયા હતું, જે ડિસેમ્બર ૨૦૨૫માં વધીને ૭૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ૧૧ ટકાનો વધારો દર્શાવે છે. એ જ રીતે એન્ટી-બાયોટિક્સ અને એન્ટી-વાયરલ દવાઓનું વેચાણ પણ ૯૦ કરોડથી વધીને ૧૦૨ કરોડ રૂપિયા થયું છે. ખાસ કરીને અસ્થમા, સીઓપીડી (COPD) અને એલર્જી માટે વપરાતી દવાઓની માંગમાં સતત બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

સામાન્ય ચેપ પણ બે અઠવાડિયા સુધી લંબાયો
નિષ્ણાંત તબીબોના જણાવ્યા અનુસાર, આ વર્ષે જોવા મળતી ખાસિયત એ છે કે સામાન્ય ચેપ જે ત્રણ-ચાર દિવસમાં મટી જતો હોય છે, તે હવે પ્રદૂષણને કારણે બે અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી લંબાઈ રહ્યો છે. પ્રદૂષિત હવા અને વાયરસના મિશ્રણને લીધે દર્દીઓને માત્ર સામાન્ય દવાઓથી રાહત મળતી નથી, ઘણા કિસ્સાઓમાં નેબ્યુલાઈઝર કે ઈન્હેલરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. લાંબા સમય સુધી ચાલતી ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ હવે માત્ર બીમાર કે વૃદ્ધોમાં જ નહીં, પરંતુ તંદુરસ્ત પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળી રહી છે.

તબીબોએ જણાવ્યું હતું કે જે લોકો ઉદ્યોગો કે વધુ પ્રદૂષણવાળા વિસ્તારોમાં કામ કરે છે તેમણે ફરજિયાત માસ્ક પહેરવો જોઈએ. તાપમાનમાં સતત થતા ફેરફાર અને નબળી હવાની ગુણવત્તા રિકવરીમાં વિલંબ કરી રહી છે. આ સ્થિતિમાં તબીબો લોકોને સવારે અને રાત્રે જ્યારે પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય ત્યારે બહાર નીકળવાનું ટાળવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક નિષ્ણાંતની સલાહ લેવાની ભલામણ કરી હતી.