ગાંધીનગર: ભારત સરકારના "એગ્રીસ્ટેક" પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024-25 થી સમગ્ર ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ ખરીફ-2026 સીઝન માટે આગામી તા. 15 ઓગસ્ટ, 2026 થી સમગ્ર રાજ્યમાં 45 દિવસીય "ડિજિટલ ક્રોપ સર્વે"નો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
18,197 ગામના 95 લાખ પ્લોટને આવરી લેવાશે
ગુજરાતના તમામ જિલ્લાઓના 18,197 ગામોમાં આવેલા તમામ ખેતીલાયક વિસ્તારના આશરે 95 લાખથી વધુ સર્વે પ્લોટને આ સર્વેમાં આવરી લેવામાં આવશે. જેમાં, સત્તાવાર સર્વેયરો દ્વારા દરેક ખેતર/સર્વે નંબર પર રૂબરૂ જઈને ખેડૂતોએ વાવેતર કરેલા પાકના જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરાશે.
સર્વે સતત 45 દિવસ સુધી ચાલશે
'ફાર્મર રજિસ્ટ્રી'માં નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં 'ડિજિટલ ક્રોપ સર્વે' એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે. આ સમગ્ર સર્વે અભિયાન આગામી તા. 15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2026 સુધી સતત 45 દિવસ સુધી કાર્યરત રહેશે.
મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સર્વે પૂર્ણ કરી શકાય
રાજ્યના તમામ ખેડૂતોને રાજ્ય સરકારની ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, પોતાના ગામના નિયુક્ત સર્વેયર મારફત અથવા જાતે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં તમામ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અવશ્ય પૂર્ણ કરાવે/કરે.