મુંબઈ: જો ભારત-અમેરિકા વેપાર સોદો વિલંબિત થાય તો આરબીઆઇ વ્યાજ દરોમાં વધુ ઘટાડો કરી શકે છે, એવો મતગોલ્ડમેન સાશે યકત કર્યો છે. ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ભારત-અમેરિકા વેપાર સોદા અંગે સતત અનિશ્ર્ચિતતા ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ ને વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવા માટે પ્રેરિત કરી શકે છે, વો મત ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાશ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગોલ્ડમેને જણાવ્યું હતું કે જો વેપાર સંબંધિત પડકારો નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક સમયગાળા પછી પણ ચાલુ રહે અને આર્થિક વિકાસને અસર કરવાનું શરૂ કરે, તો રિઝર્વ બેન્ક વધારાની નાણાકીય સરળતા દ્વારા અર્થતંત્રને ટેકો આપવા માટે તેની બાકીની નીતિ જગ્યાનો ઉપયોગ કરી શકે છે.
.આ બ્રોકરેજ ફર્મે એવી અપેક્ષા જાહેર કરી છે કે ભારત-અમેરિકા વેપાર કરાર નાણાકીય વર્ષ ૨૦૨૭ની શરૂઆતમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જોકે, જો વાટાઘાટો નાણાકીય વર્ષના બીજા ભાગમાં વિલંબિત કરવામાં આવશે, તો તે વિકાસ માટે અવરોધ તરીકે કાર્ય કરી શકે છે.
ગોલ્ડમેને નોંધ્યું હતું કે ભારતમાં મોટા પાયે વપરાશમાં સુધારો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરોમાં ઓછી આવક ધરાવતા પરિવારોમાં, હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે. આ રિકવરી સાઇકલને ખેતીવાડી ક્ષેત્રના સારા પાક ચક્ર, મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ ટ્રાન્સફરમાં વધારો અને ઓછી આવક ધરાવતા જૂથોને લાભદાયક જીેસટી ઘટાડા દ્વારા ટેકો મળી રહ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા છતાં, આ પગલાં માગમાં ધીમે ધીમે સુધારો કરવામાં મદદ કરી રહ્યા છે.
ગોલ્ડમેન સાશના મુખ્ય ભારતીય અર્થશાસ્ત્રી સંતનુ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે આવક સ્તરોમાં વપરાશના વલણો અસમાન છે. જ્યારે કોવિડ-૧૯ રોગચાળા પછી મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા ગ્રાહકોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી, ત્યારે તેમનો ખર્ચ હવે ધીમો પડવા લાગ્યો છે. ખાસ કરીને મધ્યમ આવક જૂથ, નોકરી બજારની ચિંતાઓ અને રોજગાર પેટર્ન પર કૃત્રિમ બુદ્ધિમત્તાની વધતી અસરને કારણે દબાણનો સામનો કરી રહ્યું છે.
સરકારી સમર્થનથી વૃદ્ધિમાં મદદ મળી છે. નીતિની બાજુએ, કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૬માં તેના નાણાકીય એકત્રીકરણને હળવું કર્યું અને વપરાશને ટેકો આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. આમાં આવકવેરામાં રાહત અને વપરાશ કરમાં ઘટાડાનો સમાવેશ થાય છે, જેણે ખર્ચને વધારવામાં મદદ કરી.
આને પરિણામે, ભારતે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ૭.૬ ટકાનો મજબૂત વાસ્તવિક જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકશન) વૃદ્ધિદર નોંધાવ્યો હતો. જોકે, આ રિપોર્ટમાં એવી ટીપ્પણી પણ હતી કે, ઓછા ફુગાવાથી નોમિનલ ગ્રોથ પર અસર પડે છે.
ગોલ્ડમેન સાશે એવો નિર્દેશ કર્યો હતો કે નોમિનલ જીડીપી વૃદ્ધિદર છ વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે, જેમાં રોગચાળાના વર્ષોનો સમાવેશ થતો નથી. આ મુખ્યત્વે ખૂબ જ ઓછા ફુગાવાને કારણે હતું, જેણે મજબૂત વાસ્તવિક વૃદ્ધિ છતાં આર્થિક ઉત્પાદનના એકંદર મૂલ્યમાં ઘટાડો કર્યો હતો.