Tue Jan 27 2026

Logo

White Logo

સુરતના માંડવીમાં લોકાર્પણ પૂર્વે જ પાણીની ટાંકી જમીનદોસ્ત, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જનતામાં રોષ

1 week ago
Author: mumbai samachar teem
Video

સુરત: દક્ષિણ ગુજરાતમાં વિકાસના કામોમાં થતી ગુણવત્તાની અવગણનાનો વધુ એક કિસ્સો સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી સામે આવ્યો છે. અહીં કરોડોના ખર્ચે બનેલી પાણી પુરવઠા યોજનાની એક વિશાળ ટાંકી તેના ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સરકારી પ્રોજેક્ટ્સમાં મજબૂતી કરતા ભ્રષ્ટાચારના પાયા વધુ મજબૂત બની રહ્યા છે, જેના કારણે જનતાના પૈસા અને જીવ બંને જોખમમાં મુકાયા છે.

મળતી માહિતી અનુસાર, માંડવીના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત 11 લાખ લિટરની ક્ષમતાવાળી ટાંકી તૈયાર કરવામાં આવી હતી. આ ટાંકીની ક્ષમતા ચકાસવા માટે જ્યારે તેમાં 9 લાખ લિટર જેટલું પાણી ભરવામાં આવ્યું, ત્યારે તે પાણીનો ભાર સહન ન કરી શકી અને જોતજોતામાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે સ્થળ પર હાજર ૩ મજૂરો કાટમાળ અને પાણીના પ્રવાહની ઝપેટમાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ટાંકી ધરાશાયી થતાની સાથે જ તેમાં ભરેલું લાખો લિટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. અચાનક આવેલા પાણીના આ રેલાને કારણે ગામમાં પૂર જેવો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકોમાં જીવ બચાવવા માટે ફફડાટ ફેલાઈ ગયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ સંપત્તિને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું અને સુપરવિઝનમાં પણ મોટી બેદરકારી રાખવામાં આવી હતી. લાખો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ જો ટાંકી ટેસ્ટિંગમાં જ તૂટી જતી હોય, તો તેની મજબૂતી પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે. લોકો હવે આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.