ફ્લાયઓવરનું ૭૫ ટકા કામ પૂરું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) અંતર્ગત દિંડોશી કોર્ટથી દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મસિટી) દરમ્યાન ઊભો કરવામાં આવી રહેલા ફ્લાયઓવરનું ૭૫ ટકા કામ પૂરું થઈ ગયું છે અને ચોમાસાના આગમન પહેલા એટલે મે, ૨૦૨૬ સુધીમાં તેને ખુલ્લો મૂકવાની પાલિકા પ્રશાસનની યોજના છે.
પાલિકાના એડિશનલ કમિશનરે જણાવ્યું હતું કે જીએમએલઆર અંતર્ગત દિંડોશીથી ફિલ્મસિટી વચ્ચે બાંધવામાં આવેલા ફ્લાયઓવરનું અત્યાર સુધી ૭૫ ટકા કામ પૂરું થયું છે. આ ફ્લાયઓવર માટે પ્રસ્તાવિત ૩૧ થાંભલામાંથી ૩૦ થાંભલાનું કામ પૂરું થઈ ગયું છે, થાંભલાના દરેક સ્પાન, ફ્લાયઓવરની બંને તરફના અપ્રોચ રોડ તેમ જ અન્ય સ્ટ્રક્ચરલ કામ તેના નક્કી કરેલા ટાઈમટેબલ મુજબ ચાલી રહ્યા છે. ચોમાસા પહેલા આ ફ્લાયઓવરનું કામ પૂરું કરીને તેને ખુલ્લો મૂકવા માટે આવશ્યકતા જણાઈ તો વધારાના મનુષ્યબળનો ઉપયોગ કરવામાં આવશે.
જીએમએલઆર પ્રોજેક્ટ કુલ ચાર તબક્કામાં પ્રસ્તાવિત છે. ત્રીજા તબક્કાના (એ)કામમાં ફ્લાયઓવર, એલિવેટેડ રોટરી બાંધકામનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દિંડોશી-ગોરેગામ-ફિલ્મસિટી વચ્ચે ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. આ ફ્લાયઓવરનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. દિંડોશી કોર્ટથી ફ્લાયઓવર ચાલુ થાય છે. રત્નાગિરી જંકશન હોટલ પાસે ૯૦ ડિગ્રીએ ખૂણામાં ફ્લાયઓવર વળાંક લેય છે અને ફિલ્મસિટીમાં આ ફ્લાયઓવર ઊતરે છે.
જીએમએલઆર એ મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને એકબીજા સાથે જોડનારો ચોથો મહત્ત્વનો લિંક રોડ બની રહેશે. આ રોડથી પૂર્વ -પશ્ર્ચિમ ઉપનગરમાં નવો લિંક થવાની સાથે જ ગોરેગામથી મુલુંડનો પ્રવાસનો સમય ૭૫ મિનિટથી ૨૫ મિનિટનો થઈ જશે. ઈંધણની બચત થવાને કારણે મુંબઈના વાયુ પ્રદૂષણમાં પણ સુધારો થશે.