ભરત ભારદ્વાજ
દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટનું પેપર ફૂટી ગયું. તેના કારણે આખી પરીક્ષા રદ કરીને નવેસરથી લેવી પડશે તેનો ડખો ચાલુ જ છે ત્યાં સેન્ટ્રલ બોર્ડ ફોર સેક્ધડરી એજ્યુકેશન સીબીએસઇના બારમા ધોરણની પરીક્ષાનાં પેપર તપાસવામાં થયેલું ભોપાળું બહાર આવ્યું છે. બોર્ડે આ વખતથી પેપર તપાસવા માટે ઓન-સ્ક્રીન માર્કિંગ ઓએસએમ સિસ્ટમ અમલી બનાવી છે પણ તેમાં પહેલા ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થઈ ગયો છે. ઓન-સ્ક્રીન માર્કિંગ ઓએસએમ સિસ્ટમમાં જાત જાતની ગરબડો થઈ તેમાં બારમા ધોરણનું આખું પરિણામ જ શંકાના દાયરામાં આવી ગયું છે.
પહેલાં બોર્ડનાં પેપર તપાસવા હોય તો શિક્ષકોને ઉત્તરવહીનાં બંડલ મોકલાતાં હતાં. બોર્ડને તુક્કો સૂઝયો એટલે ઓન-સ્ક્રીન માર્કિંગ ઓએસએમ શરૂ કરાવ્યું તેમાં ઉત્તરવહીઓને સ્કેન કરીને શિક્ષકોને મોકલાય છે. શિક્ષકો ઓનલાઈન ચકાસણી કરે ને માર્ક મૂકે. સ્કેન કરાયેલી ઉત્તરવહીઓ મોકલાઈ તેમાંથી હજારો ઝાંખી હતી કેમ કે યોગ્ય રીતે સ્કેન નહોતી કરાઈ. ઘણી ઉત્તરવહીઓમાં લખાણ કપાતું હતું કેમ કે સરખી રીતે ક્રોપ નહોતી કરાઈ. વિદ્યાર્થીઓએ આન્સર શીટ (ઉત્તરવહી) ની ફોટોકોપીમાંથી કેટલાક પાનાં ગાયબ હોવાની ફરિયાદ પણ કરી છે.
સ્કેન કરેલી ઉત્તરવહી વિદ્યાર્થીના નંબરને બદલે ભળતા જ નંબરો સાથે જોડાઈ ગયેલી તેથી વિદ્યાર્થીએ પોતે લખેલી ઉત્તરવહીના બદલે બીજા કોઈની ઉત્તરવહીના આધારે માર્ક આપી દેવાયા હોય એવા હજારો કિસ્સા બન્યા. વિદ્યાર્થીઓ પરિણામ આવ્યા પછી પોતાની ઉત્તરવહી જોઈ શકે છે. હજારો વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, પોતાના પરિણામ સાથે જોડાયેલી ઉત્તરવહીમાં પોતાના અક્ષરો જ નથી ને પોતે આપેલા જવાબો પણ નથી. આ ભવાડા બહાર આવ્યા તેમાં સીબીએસઈની ઈજજતનો કચરો થઈ ગયો.
આ બેઈજજતી ઓછી હોય તેમ સીબીએસઈએ રીવેલ્યુએશન એટલે કે પુનર્મૂલ્યાંકન માટેનું પોર્ટલ ચાર દાડા સુધી ખૂલ્યું જ નહીં. સીબીએસઈએ પહેલાં જાહેરાત કરેલી કે, 29 મેના દિવસે પોર્ટલ ખૂલશે તેથી વિદ્યાર્થીઓ ફરી ભરીને તૈયારી કરીને બેઠેલા પણ સીબીએસઈએ ગ્રહણ ટાણે જ સાપ કાઢીને જાહેર કર્યું કે, ટેકનિકલ સમસ્યાના કારણે હવે 1 જૂને પોર્ટલ ખૂલશે.1 જૂને લાખો વિદ્યાર્થીઓ આખો દિવસ મથામણ કરીને થાકી ગયા પણ પોર્ટલ ના ખૂલ્યું તે ના જ ખૂલ્યું. 2 જૂન ને મંગળવારે પણ આ રેઢિયાળપણું ચાલુ રહ્યું.
સવારથી મથતા હોવા છતાં મોટા ભાગના વિદ્યાર્થી તો લોગ-ઈન જ ના કરી શક્યા. કેટલાક નસીબના બળિયા લોગ-ઈન કરી શક્યા તો એ પછી તેમનાં નસીબ ફૂટી ગયાં કેમ કે ફ્રોઝન સ્ક્રીનની સમસ્યા આવી ગઈ. લગભગ ચાર લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેથી આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પાંચ દિવસ પછી પણ અધ્ધર જીવે છે. ક્યારે પોર્ટલ સરળતાથી કામ કરતું થશે એ તેમને ખબર નથી. માનો કે કામ કરતું થાય તો પણ સરખી રીતે ચાલશે કે નહીં એ નક્કી નથી ને અંતે જે પણ પરિણામ આવશે એ ખરેખર સાચું હશે કે પરિણામની જેમ તેમાં પણ ઝોલમઝોલ હશે એ નક્કી નથી તેથી આ ચાર લાખ પરિવારોની સમસ્યાઓનો ક્યારે અંત આવશે એ ખબર નથી.
આ રામકથાની વચ્ચે એવી વાત બહાર આવી છે કે, સીબીએસઈના પુન:મૂલ્યાંકન (રી-ઇવેલ્યુએશન) પોર્ટલની પેમેન્ટ સિસ્ટમ પર ‘સાઇબર એટેક’ થયો હતો અને 50 વિદ્યાર્થીઓએ પોર્ટલ હેક કરી લીધું હતું. તેના કારણે સીબીએસઈ (સીબીએસઇ) પોર્ટલ પર આન્સરશીટની ફોટોકોપી મેળવવા માટેની અરજી ફી અલગ-અલગ દેખાવા લાગી હતી. સીબીએસઈએ ફી 700 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરી નાખેલી તેથી બધે સરખી ફી દેખૌવી જોઈએ પણ ક્યાંક ફી એક રૂપિયો દેખાતી હતી તો ક્યાંક 68,0000 રૂપિયા દેખાતી હતી. ફીમાં પાછો વધારો ઘટાડો પણ થયા કરતો હતો.
આ બધાથી અલિપ્ત આપણી કેન્દ્ર સરકાર કશું ના બન્યું હોય એમ વર્તવામાં વ્યસ્ત છે. ઓન-સ્ક્રીન માર્કિંગ (ઓએસએમ) સિસ્ટમનો કોન્ટ્રાક્ટ હૈદરાબાદની ખાનગી આઈટી કંપની કોએમ્પ્ટ એજ્યુટેકને અપાયો છે. કેન્દ્ર સરકારે ગરબડ મુદ્દે સરકારી રાહે રિપોર્ટ માગ્યો છે પણ કંપની સામે હજુ લગી તો કોઈ પગલાં લીધાં નથી કે આટલા મોટા પાયે ગોબાચારી છતાં કોઈ દંડ પણ ફટકાર્યો નથી.
પરિણામમાં ગરબડની ફરિયાદ આવી ત્યારે પહેલાં તો કંપનીએ કશું ના બન્યું હોય એમ એકલદોકલ કિસ્સામાં આવું બન્યું છે એવું કહીને હાથ ખંખેરી નાખેલા. સીબીએસઈએ પોતે પાછળથી સત્તાવાર રીતે કહ્યું કે, લગભગ 68 હજાર ઉત્તરવહીઓમાં લોચા છે. આ ઉત્તરવહીઓના સ્કેનિંગ અને ક્રોપ કરવામાં થયેલી ગરબડોના કારણે તેમનાં બંડલ મોકલીને ફરી તેમનાં પેપર તપાસીને નવેસરથી માર્ક મૂકવા પડ્યા છે. આ નવેસરથી પેપર તપાસવાની પ્રક્રિયા કેટલી સાચી હશે એ પણ ખબર નથી.
આ તો સીબીએસઈનો પોતાનો સત્તાવાર જવાબ છે ને ખરેખર તો તેના આધારે ભવાડો કરનારી કંપનીને સૌથી પહેલાં તો બ્લેક લિસ્ટ કરી દેવી જોઈએ. કંપનીના કારભારીઓ સામે હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવા બદલ ફોજદારી કેસ કરીને તેમને અંદર નાખવા જોઈએ. આ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે આટલી મોટી પરીક્ષા લેવાની તેનામાં ક્ષમતા છે કે નહીં તેની ચકાસણી કરાયેલી કે નહીં તેની તપાસ થવી જોઈએ, કોન્ટ્રાક્ટ આપવામાં ગોબાચારી થઈ છે કે નહીં તેની તપાસ કરવાની હોય ત્યારે કેન્દ્ર સરકાર હજુ રિપોર્ટ રિપોર્ટ રમ્યા કરે છે. આ વલણ ખરેખર આઘાતજનક કહેવાય.
સીબીએસઈના ઓએસએમ અને રીવેલ્યુએશનના ભવાડાએ બે વાત સાબિત કરી છે. પહેલી વાત એ કે, આપણે ડિજિટલ ઈન્ડિયાની મોટી મોટી વાતો કરીએ છીએ પણ હજુય આપણે પછાત દેશ છીએ. આપણે પછાત ના હોઈએ તો એક પરીક્ષા માટેની ફુલપ્રૂફ સિસ્ટમ કેમ ઊભી કરી શકતા નથી ? આ બધા ભવાડા કેમ થાય છે? કેમ કે ડિજિટલ ઈન્ડિયાના નામે મળતિયાઓને મોટા મોટા કોન્ટ્રાક્ટ આપીને ઘર ભરવાનો ખેલ થાય છે. વાસ્તવિક રીતે ડિજિટલ ઈન્ડિયાનું નિર્માણ થઈ રહ્યું નથી ને તેમાં દેશની આબરૂના પણ ભડાકા થઈ ગયા છે. વિદેશી મોડલો પર બનેલી પેમેન્ટ એપ્સ ચાલે એટલે ડિજિટલ ઈન્ડિયા ના કહેવાય.
બીજી વાત એ કે, આ દેશમાં મહેનત કરીને તૂટી જતા વિદ્યાર્થીઓની મહેનતની કોઈ કદર નથી. લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરનારા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોને ખરેખર તો આરબ દેશોના ન્યાયની જેમ જાહેરમાં ચાબૂકથી સટાકા મારવા જોઈએ પણ તેમને કશું થતુંં નથી. કોઈ પણ પરીક્ષા આપો પણ તેનાં પરિણામો શંકાથી પર હોતાં નથી તેથી મહેનત કરનારો આપણો દીકરો કે દીકરી સતત ટેન્શનમાં જીવ્યા કરે છે ને આપણે પણ ટેન્શનમાં જીવ્યા કરીએ છીએ. બીજી તરફ દેશનું ભાવિ મનાતા વિદ્યાર્થીઓની જિંદગી સાથે ક્રૂર રમત રમનારા જલસા કરે છે.
આ કેવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે?