Mon Aug 24 2026

Logo

અમ્પાયરે આઉટ આપ્યો, પણ બૅટ્સમૅને ક્રીઝ છોડવાની ચોખ્ખી ના પાડી દીધી!

Toronto   2026-08-20 21:21:49
Author: Ajay Motiwala
Article Image

ટૉરન્ટો (કૅનેડા): અહીં 13 દેશના વેટરન ક્રિકેટરો વચ્ચે ચાલી રહેલા `ઓવર-60 વર્લ્ડ કપ'માં ભારતનો ઇંગ્લૅન્ડ સામે સોમવારની મૅચમાં આઠ રનથી પરાજય થયો હતો, પરંતુ આ પરિણામ કરતાં વધુ ચર્ચા એમાં બનેલા એક બનાવ બાબતમાં થઈ રહી છે.

કોઈ ખેલાડીને અમ્પાયરે આઉટ જાહેર કર્યો હોય એમ છતાં તે ક્રીઝમાંથી નીકળવાની ના પાડે અને અમ્પાયરને નિર્ણય બદલવાની ફરજ પાડવાનો પ્રયાસ કરે એવું દરેક ક્રિકેટપ્રેમીએ ભૂતકાળમાં ગલી ક્રિકેટમાં એકાદ વખત તો અનુભવ્યું જ હશે. `ઓવર-60 વર્લ્ડ કપ'માં ભારત-ઇંગ્લૅન્ડ મૅચમાં પણ આવું જ બન્યું.

ઇંગ્લૅન્ડની ઇનિંગ્સની 20મી ઓવર મયંક ખાંડવાલા (Khandwala)એ કરી હતી અને ઇંગ્લૅન્ડના તેમૂર આલમ 30 રન પર બૅટિંગમાં હતા. તેઓ લેફ્ટ-આર્મ સ્પિનર ખાંડવાલાના પ્રથમ બૉલને સ્વીપ કરવાનો પ્રયાસ કરવા જતાં બૉલ તેમના પૅડ પર વાગ્યો હતો અમ્પાયરે તેમને એલબીડબ્લ્યૂ જાહેર કર્યા હતા. જોકે તેમૂર (Temoor)એ ક્રીઝ છોડીને જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમની દલીલ હતી કે તેમના બૅટની કટ લાગી હતી. એ સાંભળીને અમ્પાયર અને ભારતીય ખેલાડીઓ ડઘાઈ ગયા હતા.

બન્ને અમ્પાયરે ચર્ચા કરી હતી અને ભારતીય ખેલાડીઓ તેમને ઘેરી વળ્યા હતા. કૉમેન્ટેટર બોલ્યા, `ભાઈ, તમે અમ્પાયરના નિર્ણય સાથે સહમત નથી તો પણ તમારે પાછા જવું જ પડશે. આવું ચાલે જ નહીં.' જોકે 15 મિનિટ સુધી રમત અટકી હતી અને લેગ અમ્પાયરના મંતવ્યને છેવટે અપનાવવામાં આવ્યું હતું. લેગ અમ્પાયરનો મત હતો કે તેમૂરના બૅટની કટ લાગી હતી. તેમૂરને રમવા દેવામાં આવ્યા બાદ તેમણે 10 રન ઉમેર્યા હતા અને છેવટે ખાંડવાલાએ તેમને ક્લીન બોલ્ડ કર્યા હતા અને ડગઆઉટનો રસ્તો બતાવ્યો હતો. 45 ઓવરમાં ઇંગ્લૅન્ડે સાત વિકેટે 167 રન બનાવ્યા બાદ ભારત 42 ઓવરમાં 159 રનમાં આઉટ થઈ જતાં પરાજિત થયું હતું.

આ મૅચની વિવાદાસ્પદ ઘટનાના વીડિયોમાં મહત્ત્વની ફૂટેજ સ્પષ્ટ નહોતી. આ બનાવ સંબંધમાં તપાસ શરૂ કરવામાં આવી છે.