Sat Sep 12 2026

Logo

વૈભવ અને પેસ બોલર્સના પર્ફોર્મન્સથી ઈસ્ટ ઝોન ડિફેન્ડિંગ ચૅમ્પિયનને હરાવીને ફાઇનલમાં

2026-09-01 20:05:16
Author: Ajay Motiwala
વૈભવ અને પેસ બોલર્સના પર્ફોર્મન્સથી ઈસ્ટ ઝોન ડિફેન્ડિંગ ચૅમ્પિયનને હરાવીને ફાઇનલમાં

બેંગ્લૂરુઃ ઈસ્ટ ઝોને દુલીપ ટ્રોફીમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સેન્ટ્રલ ઝોન (Central Zone) સામેની ચાર-દિવસીય સેમિ ફાઇનલ મંગળવારના ત્રીજા જ દિવસે ચાર વિકેટના માર્જિનથી જીતી લીધી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઈસ્ટ ઝોને 2012-'13માં દુલીપ ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું હતું.

ઇશાન કિશનના સુકાનમાં ઈસ્ટ ઝોન (East Zone)ને જીતવા 159 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેમણે છ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. પ્રથમ દાવમાં સાત સિક્સર અને સાત ફોરની મદદથી 92 રન બનાવનાર વાઇસ-કૅપ્ટન વૈભવ સૂર્યવંશીએ બીજા દાવમાં 40 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું.

કૅપ્ટન ઇશાન કિશન 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઈસ્ટ ઝોનના બે પેસ બોલર મોહમ્મદ શમી અને મુકેશ કુમારે મૅચમાં કુલ મળીને કુલ 12 વિકેટ લીધી હતી. રજત પાટીદારના સુકાનમાં રમનાર સેન્ટ્રલ ઝોનની ટીમમાં ભારતીય ખેલાડીઓ રિન્કુ સિંહ તથા સારાંશ જૈન તેમ જ બીજા જાણીતા ખેલાડી યશ ઠાકુરનો સમાવેશ હતો.

ફાઇનલમાં ઈસ્ટ ઝોનનો મુકાબલો સાઉથ ઝોન અથવા નોર્થ ઝોન સામે થશે. બીજી સેમિમાં સાઉથ સામે નોર્ધ ઝોનની ટીમ બીજા દાવમાં 139 રનથી આગળ હતી.