દુલીપ ટ્રોફીની ફાઇનલમાં તિલકના સાઉથ ઝોન અને કિશનના ઈસ્ટ ઝોન વચ્ચે થશે ટક્કર
બેંગ્લૂરુઃ મૂળ હૈદરાબાદનો 23 વર્ષીય લેફ્ટ-હૅન્ડ મિડલ ઑર્ડર બૅટ્સમૅન તિલક વર્મા (Tilak Verma) ભારત વતી કુલ 64 મૅચ રમી ચૂક્યો છે એમ છતાં તેને હજી `ભારત વતી' નથી રમવા મળ્યું એનો અફસોસ છે. વાત એવી છે કે તિલકે વન-ડેની પાંચ મૅચમાં અને ટી-20ની 59 મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થયાને 36 મહિના થઈ જવા છતાં હજી સુધી તેને એકેય ટેસ્ટ મૅચ નથી રમવા મળી એનો તેને રંજ છે. બીજું, અફઘાનિસ્તાન સામે 13મી સપ્ટેમ્બરે શરૂ થનારી ટી-20 સિરીઝ માટેની ટીમમાં તિલકનો સમાવેશ કરાયો છે, પરંતુ તેને 6-10 સપ્ટેમ્બર દરમ્યાન ચેન્નઈમાં રમાનારી પાંચ-દિવસીય દુલીપ ટ્રોફી ફાઇનલમાં રમવાની ખૂબ ઇચ્છા છે. તેણે એ ફાઇનલ રમ્યા પછી બે જ દિવસમાં દિલ્હીમાં ટી-20 ટીમ સાથે જોડાઈ જવું પડશે.
બે મોટી ઇનિંગ્સથી સાઉથને ફાઇનલમાં પહોંચાડ્યું
દુલીપ ટ્રોફીની ચાર દિવસની સેમિ ફાઇનલમાં સાઉથ ઝોને તિલક વર્માના સુકાનમાં નોર્થ ઝોનને સાત વિકેટે હરાવ્યું હતું. નોર્થ ઝોનના પ્રથમ દાવના 195 રન બાદ સાઉથ ઝોને તિલક વર્માની સેન્ચુરી (250 બૉલમાં 116 અણનમ) તેમ જ શ્રેયસ ગોપાલ (169 બૉલમાં 87 રન)ની મદદથી સાઉથ ઝોને 312 રન બનાવ્યા હતા. નોર્થ ઝોનના બીજા દાવના 297 રન બાદ સાઉથ ઝોને ખાસ કરીને તિલક વર્માની હાફ સેન્ચુરી (79 બૉલમાં 51 અણનમ)ની મદદથી ત્રણ વિકેટે 182 રન બનાવીને વિજય મેળવી લીધો હતો અને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. રવિવાર, છઠ્ઠી સપ્ટેમ્બરે ચેન્નઈમાં શરૂ થનારી પાંચ દિવસની ફાઇનલમાં સાઉથ ઝોન અને ઇશાન કિશનના નેતૃત્વવાળી ઈસ્ટ ઝોનની ટીમ વચ્ચે મુકાબલો થશે. ઈસ્ટ ઝોને મંગળવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સેન્ટ્રલ ઝોનને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
PTI
ઈશ્વરને મંજૂર હતું એ થયું
તિલક વર્મા રણજી ટ્રોફી તથા દુલીપ ટ્રોફીની ચાર-પાંચ દિવસવાળા લાંબા ફૉર્મેટની મૅચો સહિત કુલ 24 ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો છે, પરંતુ તેને ટેસ્ટ (Test)માં રમવાની તક નથી મળી એની તેનામાં નિરાશા છે. તેણે બુધવારે બેંગ્લૂરુમાં સાઉથ ઝોનના વિજય બાદ પત્રકારોને કહ્યું, `મને રેડ બૉલના ફૉર્મેટમાં રમવું હંમેશાં ખૂબ ગમ્યું છે. હું ભારત વતી મર્યાદિત ઓવરવાળા વાઇટ બૉલ ફૉર્મેટમાં રમીશ એવી મેં કલ્પના પણ નહોતી કરી, પરંતુ ઈશ્વરને મંજૂર હશે એટલે મને એમાં રમવાની તક મળી છે. હું ભારત વતી ટી-20 તથા વન-ડેમાં ડેબ્યૂ કરી ચૂક્યો છું, પરંતુ મારી ખરી ક્ષમતા રેડ બૉલ ક્રિકેટ (ટેસ્ટ ફૉર્મેટ)માં રમવાની જ છે.'
આઇપીએલને લીધે વાઇટ બૉલ ક્રિકેટમાં તક
તિલકે એવું પણ જણાવ્યું કે `કોઈને ખબર નહીં હોય, પણ રેડ બૉલ ક્રિકેટમાં (ટેસ્ટ ફૉર્મેટમાં) રમવા મેં નાનપણથી તનતોડ મહેનત કરી છે. આઇપીએલને લીધે મને વાઇટ બૉલ ક્રિકેટમાં રમવાનો મોકો મળ્યો, પણ એ પહેલાં મેં રેડ બૉલ ક્રિકેટમાં (ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં) ખૂબ મહેનત કરી હતી. રેડ બૉલ ક્રિકેટ જ મારી ખરી ક્ષમતા છે, મને એ ફૉર્મેટમાં રમવું ખૂબ ગમે છે, એ કંઈક એવું છે જે હંમેશાં મારા લોહીમાં રહેલું છે.'
ટેસ્ટ ટીમમાં આવવાની તીવ્ર ઇચ્છા
તિલક વર્માએ કુલ 1,700થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તેણે પત્રકારોને એવું પણ કહ્યું કે `ખરું કહું તો છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ટી-20 અને વન-ડેના વ્યસ્ત ટાઇમટેબલને કારણે હું રણજી ટ્રોફી સહિતની રેડ બૉલ ક્રિકેટ નથી રમી શક્યો. એટલે જ હું અત્યારે બને એટલી રેડ બૉલ ક્રિકેટ રમું છું, એમાં શક્ય હોય એટલા રન કરું છું કે જેથી મને ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શકે.'