અમદાવાદઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવ હેઠળના સબ સેન્ટર પલસાણા-01 ખાતે યોજાયેલા મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન થયેલી ગંભીર બેદરકારીના બનાવ બાદ આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર મહિલા હેલ્થ વર્કર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી રાજ્ય સરકારે આપી હતી.
માહિતી અનુસાર મમતા દિવસ દરમિયાન કુલ 7 બાળકોને નિયમિત રસીકરણ આપવામાં આવ્યું હતું. રસીકરણ બાદ બાળકોને પેરાસિટામોલ કિડ ટેબ્લેટ આપવાની પ્રક્રિયા દરમિયાન ભૂલવશ પેરાસિટામોલના બદલે ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી.ની ટેબ્લેટ પાંચ બાળકોને આપવામાં આવી હતી. દવાની આડઅસરના લક્ષણો જણાતા સંબંધિત પાંચ બાળકોને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ મામલે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોના આરોગ્ય અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દર્દી સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
આ સાથે સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાના બનાવની તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં દોઢ મહિનામાં બે રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાના બનાવ નોંધાયા છે.