Thu Oct 01 2026

Logo

બાબર સાત વર્ષે ડોમેસ્ટિક મૅચ રમ્યો અને સાવ સસ્તામાં વિકેટ ફેંકી દીધી

Abbottabad   2026-09-26 17:28:00
Author: Ajay Motiwala
બાબર સાત વર્ષે ડોમેસ્ટિક મૅચ રમ્યો અને સાવ સસ્તામાં વિકેટ ફેંકી દીધી

અબોટાબાદઃ પાકિસ્તાનનો બહુ ગાજેલો બૅટ્સમૅન અને છેલ્લાં ઘણા મહિનાઓથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફ્લૉપ પર ફ્લૉપ ઇનિંગ્સ રમનાર બાબર આઝમે મોટા ઉપાડે ડોમેસ્ટિક ક્રિકેટમાં સાત વર્ષે ફરી રમવાનું નક્કી કર્યું અને શનિવારે પહેલી જ મૅચમાં બે ચોગ્ગાની મદદથી ફક્ત 12 રન બનાવ્યા બાદ પૅવિલિયન ભેગો થઈ ગયો હતો. બાબરને જોવા અસંખ્ય પ્રેક્ષકો સમય કાઢીને આ ડોમેસ્ટિક મૅચ જોવા આવ્યા હતા, પણ તેમનો હીરો ગણતરીની મિનિટોમાં જ પાછો આવી ગયો હતો.

ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાનનો ટેસ્ટ-શ્રેણીમાં 0-3થી વાઇટવૉશ થયો ત્યાર બાદ બાબર આઝમ (Babar Azam)એ પોતે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને વિનંતી કરી હતી કે તેને ફરી ડોમેસ્ટિક મૅચો રમવી છે એટલે તેને કોઈ ટીમ વતી રમવાની છૂટ આપવામાં આવે. પીસીબીએ તેને પ્રેસિડન્ટ્સ ટ્રોફી ગ્રેડ-1માં ઑઇલ ઍન્ડ ગૅસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (ઓજીડીસીએલ)ની ટીમ વતી ગેસ્ટ પ્લેયર તરીકે રમવાની છૂટ આપી હતી. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝના ચાર દાવમાં તે કુલ માત્ર 97 રન બનાવી શક્યો હતો.

ખાન રિસર્ચ લૅબોરેટરીઝ (KRL) સામેની મૅચમાં રમીને 31 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન બાબરે 2019ની સાલ બાદ ફરી ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબૅક કર્યું. જોકે કેઆરએલની ટીમે પ્રથમ દાવમાં 398 રન બનાવ્યા ત્યાર બાદ ઓજીડીસીએલની ટીમને બાબર પર મોટો ભરોસો હતો.

જોકે પચીસ રનની અંદર ટીમની ત્રણ વિકેટ પડી ચૂકી હતી, ત્યારે બાબરે 20મા બૉલે 12 રનના સ્કોર પર વિકેટ ફેંકી દીધી હતી. અર્શદ ઇકબાલના શૉર્ટ-પિચ બૉલમાં તે પુલ શૉટ રમવા ગયો અને શૉર્ટ મિડ-ઑન પર અબ્દુલ ફસીને આસાન કૅચ આપી બેઠો હતો. તેની વિકેટ વખતે ઓજીડીસીએલનો સ્કોર 4/46 હતો.