Sat Oct 17 2026

Logo

મુંબઈથી પ્રયાગરાજ, અયોધ્યા અને વારાણસીની યાત્રા માટે IRCTC દ્વારા ખાસ પેકેજની જાહેરાતઃ જાણો કિંમત અને સુવિધાઓ વિશે

2026-09-27 18:20:51
Author: Mumbai Samachar Team
મુંબઈથી પ્રયાગરાજ, અયોધ્યા અને વારાણસીની યાત્રા માટે IRCTC દ્વારા ખાસ પેકેજની જાહેરાતઃ જાણો કિંમત અને સુવિધાઓ વિશે

AI પ્રતીકાત્મક તસવીર


મુંબઈ: મુંબઈથી કાશી વિશ્વેશ્વર અને રામજીના દર્શન કરવા અયોધ્યાની યાત્રાએ જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ મુંબઈથી પ્રયાગરાજ, અયોધ્યા અને વારાણસીની યાત્રા માટે ખાસ ટૂર પેકેજની શરૂઆત કરી છે. આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું છે અને તેમાં ત્રણેય પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે. 

આઈઆરસીટીસીના આ પેકેજનું નામ 'પ્રયાગરાજ, અયોધ્યા અને વારાણસી એક્સ મુંબઈ' છે. પેકેજમાં ટ્રેન મુસાફરી, હોટેલમાં રોકાણ, રોડ ટ્રાન્સપોર્ટ, નક્કી કરાયેલા ભોજન અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જેવી સુવિધાઓ સામેલ છે. આ યાત્રા દર શુક્રવારે મુંબઈથી શરૂ થાય છે. યાત્રાની શરૂઆત મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી શુક્રવારે સાંજે 5:20 વાગ્યે ટ્રેન નંબર 12293થી થશે. મુસાફરો ભુસાવળ અને ઇટારસીથી પણ આ ટ્રેનમાં સવાર થઈ શકે છે. બીજા દિવસે બપોરે 12:40 વાગ્યે પ્રયાગરાજ પહોંચ્યા બાદ પ્રવાસીઓને હોટેલ લઈ જવામાં આવશે. અહીં ત્રિવેણી સંગમ, અલોપી દેવી મંદિર, લેટે હનુમાન મંદિર અને આનંદ ભવન મ્યુઝિયમની મુલાકાત કરાવવામાં આવશે.

ત્યાર બાદ રવિવારે નાસ્તા બાદ રોડ માર્ગે અયોધ્યા જવામાં આવશે. અહીં હનુમાનગઢી અને સરયુ ઘાટની મુલાકાત લેવામાં આવશે. સોમવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન કર્યા બાદ યાત્રીઓ વારાણસી માટે રવાના થશે. સાંજે વારાણસી પહોંચ્યા બાદ હોટેલમાં રોકાણ કરવામાં આવશે. મંગળવારે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા બાદ યાત્રીઓ પ્રયાગરાજ રેલવે સ્ટેશન પહોંચશે. ત્યાંથી સાંજે 6:10 વાગ્યે ટ્રેન નંબર 12294 દ્વારા મુંબઈ પરત ફરશે. આ ટ્રેન બુધવારે બપોરે 2:55 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. ભુસાવળ અને ઇટારસી ખાતે ઉતરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

પેકેજની કિંમત રૂમમાં મુસાફરોની સંખ્યા પ્રમાણે અલગ અલગ નિર્ધારિત કરાઈ છે. 3ACની 'કમ્ફર્ટ' કેટેગરીમાં ટ્રિપલ શેરિંગ માટે પ્રતિ વ્યક્તિ 25,555 રૂપિયા, ડબલ શેરિંગ માટે 27,000 રૂપિયા અને સિંગલ ઓક્યુપન્સી માટે 34,500 રૂપિયા ચૂકવવાના રહેશે. 5થી 11 વર્ષના બાળકો માટે બેડ સાથે 24,200 રૂપિયા અને બેડ વગર 22,650 રૂપિયા ચૂકવવા પડશે.

જોકે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન મળતું ભોજન, એન્ટ્રી ટિકિટ, રૂમ સર્વિસ, ટિપ્સ, લોન્ડ્રી, મિનરલ વોટર અને પેકેજમાં સ્પષ્ટ રીતે સામેલ ન હોય તેવા અન્ય ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાના રહેશે. સરકારી ટેક્સ, સર્વિસ ચાર્જ અથવા ટ્રેનના ભાડામાં ફેરફાર થાય તો તેનો વધારાનો ખર્ચ પણ લાગુ થઈ શકે છે.તેવી સ્પષ્ટતા પણ આઈઆરસીટીસીએ કરી છે

આમ મુંબઈથી માત્ર એક જ પ્રવાસમાં પ્રયાગરાજનું ત્રિવેણી સંગમ, અયોધ્યાની રામ જન્મભૂમિ અને વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર જેવા ત્રણ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તક મળશે તેમજ આ પેકેજ પ્રવાસીઓ માટે દર શુક્રવારે ઉપલબ્ધ રહેશે તેવી માહિતી પણ આઈઆરસીટીસીના અધિકારીઓએ આપી હતી.