Fri Sep 04 2026

Logo

બીયર મગની તસવીરથી શરૂ થયો GDP વિવાદ, કિરણ રિજિજુએ કોંગ્રેસને જ ઘેરી લીધી!

2026-09-03 07:37:00
Author: Mayur Patel
બીયર મગની તસવીરથી શરૂ થયો GDP વિવાદ, કિરણ રિજિજુએ કોંગ્રેસને જ ઘેરી લીધી!

નવી દિલ્હીઃ ભારતની તાજેતરની GDP વૃદ્ધિના આંકડાને લઈને કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજકીય ટક્કર જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા નોંધાઈ છે. આ આંકડો અપેક્ષા કરતાં વધુ રહ્યો છે અને RBIના આશરે 7 ટકાના અંદાજ કરતાં પણ ઊંચો છે. આ મામલે હવે રાજકારણ એવી રીતે ગરમાઈ રહ્યું છે કે, સત્તાપક્ષે મોટો હોબાળો થાય એ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે. 

અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિ ન કહી શકાય
કોંગ્રેસે આ આંકડા પર સવાલ ઉઠાવ્યા છે. કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બીયરના મગની તસવીર શેર કરીને 7.8 ટકાની GDP વૃદ્ધિને ‘ફર્જી કહાની’ ગણાવી અને સરકાર પર આર્થિક સ્થિતિને માત્ર PR દ્વારા સારી બતાવવાનો આરોપ મૂક્યો. કોંગ્રેસનું કહેવું છે કે, માત્ર આંકડાઓની રજૂઆતથી અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિ બદલાતી નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ GDPના આંકડાઓને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા. તેમણે પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગના વિશ્લેષણનો હવાલો આપીને દાવો કર્યો કે, વાસ્તવિક વૃદ્ધિ 7.8 ટકા નહીં. પરંતુ લગભગ 2.6 ટકા હોવી જોઈએ. 
 

આંકડાઓમાં ફેરફાર કર્યાનો આક્ષેપ
કોંગ્રેસનો આરોપ છે કે, GDPના આંકડાઓમાં ફેરફાર કરીને અર્થતંત્રની તસવીર વધુ સારી બતાવવામાં આવી રહી છે.  કિરણ રિજિજુનો વળતો પ્રહાર એ છે કે, કોંગ્રેસ અભ્યાસ કર્યા વગર બોલી રહી છે.  કોંગ્રેસના આ આરોપો પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આકરો જવાબ આપ્યો. તેમણે કેરળ કોંગ્રેસની બીયર મગવાળી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં સવાલ કર્યો કે, શું કોંગ્રેસના નેતાઓ ભારતની આર્થિક પ્રગતિની ટીકા કરતાં-કરતાં ‘ગાઢ નશામાં’ છે. રિજિજુએ કોંગ્રેસ પર ભારતની પ્રગતિથી નફરત કરવાનો અને જમીની વાસ્તવિકતાથી દૂર થઈ જવાનો આરોપ લગાવ્યો. આમ, GDPના આંકડા હવે માત્ર આર્થિક ચર્ચાનો વિષય રહ્યા નથી, પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચેના રાજકીય વાદવિવાદનું કેન્દ્ર પણ બન્યા છે. 

2.6% વિરુદ્ધ 7.8%  વિવાદ શું છે?
અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. 2.6% અને 7.8%ના આંકડા એક જ પદ્ધતિથી મેળવવામાં આવેલા વિકલ્પિક GDP આંકડા નથી. સુભાષ ગર્ગે જૂની અને નવી GDP સિરીઝના આંકડાઓની સરખામણી કરીને 2.6%નો આંકડો રજૂ કર્યો હતો. સરકારના આંકડાશાસ્ત્ર વિભાગ MoSPIએ આ ગણતરીને નકારી છે. નવી GDP સિરીઝમાં 2022-23ને બેઝ યર બનાવવામાં આવ્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે જૂની 2011-12 બેઝ યર સિરીઝના આંકડાને નવી સિરીઝના આંકડા સાથે સીધી સરખામણી કરવી યોગ્ય નથી. સરકારના જણાવ્યા પ્રમાણે નવી સિરીઝ હેઠળ Q1 FY2025-26ની કરંટ-પ્રાઇસ GDP લગભગ ₹80 લાખ કરોડ હતી, જ્યારે Q1 FY2026-27માં તે વધીને ₹88.27 લાખ કરોડ થઈ છે. આ આધારે નૉમિનલ GDP વૃદ્ધિ 10.3 ટકા અને રિયલ GDP વૃદ્ધિ 7.8 ટકા ગણવામાં આવી છે. 

એક જ વિષયની અલગ અલગ વાત
એક તરફ સરકાર કહે છે કે 7.8% GDP વૃદ્ધિ સાચી છે અને નવી પદ્ધતિ તથા વધુ સચોટ ડેટાના આધારે તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ અને પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગ આંકડાઓની પદ્ધતિ અને જૂના આંકડાઓમાં થયેલા ફેરફારો પર સવાલ ઉઠાવી રહ્યા છે. એટલે હાલની ચર્ચાનો મુખ્ય મુદ્દો માત્ર GDP 7.8% છે કે 2.6%?  એટલો નથી, પરંતુ GDPની નવી ગણતરી પદ્ધતિ, બેઝ યર બદલાવ અને જૂના-નવા ડેટાની સરખામણી કેટલી યોગ્ય છે, તે પણ છે.