Fri Sep 04 2026

Logo

જિલ્લા-તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માગ, અમિત ચાવડાએ આપી આંકડાકીય વિગત

2026-09-03 13:08:00
Author: Mumbai Samachar Team
જિલ્લા-તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માગ, અમિત ચાવડાએ આપી આંકડાકીય વિગત

રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે સૌથી વધારે મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે. સંતોષકારક વરસાદ ન થવાના કારણે અનેક વિસ્તારમાં ખેડૂતોની સાથે પશુપાલકોની સ્થિતિ કફોડી થઈ છે. ખેડૂતો તથા પશુપાલકોને થતું આર્થિક નુકસાન અટકાવવા માટે રાજ્યમાં યુદ્ધના ધોરણે દુષ્કાળ જાહેર કરવાની માગ કોંગ્રેસે કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો યોગ્ય વરસાદના અભાવે માથે હાથ દઈને બેઠા છે. 

અમિત ચાવડાએ આપી આંકડાકીય વિગત
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વિષય પર વિગત આપતા જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં સરેરાશ કરતા પણ 15 ટકો ઓછો વરસાદ થયો છે. આ કારણે 15 જિલ્લાઓમાં ખેડૂતોની સ્થિતિ ગંભીર છે. પોરબંદરમાં 73, જામનગરમાં 60, કચ્છમાં 60 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ થયો છે. અહીંયા 88 ટકા ઓછો વરસાદ થયો છે. અનેક એવા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે છે ત્યારે રાજ્ય સરકાર મદદ કરે એવી કોંગ્રેસની માગ છે. આવી ગંભીર સ્થિતિને ધ્યાને લઈ સરકાર સામે 7મી સપ્ટેમ્બરે સરકાર સામે રાજ્યવ્યાપી આંદોલન કરવા એક આયોજન કરવામાં આવ્યું છે. 

રાજ્ય સરકાર સામે માગ
રાજ્ય સરકાર સામે જિલ્લાઓને તથા તાલુકાઓને  અછતગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે રાજ્યના કેટલાક જિલ્લાઓને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ માગ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 171 ડેમને સૌની યોજના અંતર્ગત ભરવા, ગ્રામ્ય વિસ્તાર તથા નગરપાલિકામાં નિયમિત શુદ્ધ પીવાનું પાણી આપવા, ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષમાં પાક ધિરાણ, વીજબિલમાં સંપૂર્ણપણે માફી આપવામાં એવી માગ કરવામાં આવી છે. આ સિવાય અસરગ્રસ્ત વિસ્તારમાં 7 કિમીની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર તથા નિયમ અનુસાર પાંજરાપોળને ખોલી દેવામાં આવે. ખેડૂતો તથા ખેત મજૂરોને રોજીરોટી મળે એવું કામ કરવા માટે યોજના બનાવવા રાજ્ય સરકાર સામે માગ કરવામાં આવી છે. સરકારના મંત્રીઓ તથા નેતાઓ પ્રવાસ છોડીને ખેડૂતોના ખેતરે જઈ ગ્રાઉન્ડ લેવલ પર હકીકત જોવે એવી માગ કોંગ્રેસે કરી છે.